સુરત: ભ્રષ્ટાચારના કારણે સુરત શહેરના તાપી નદી ઉપર બનાવવામાં આવેલા ગુરુકુલ એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં બેસી ગયો હતો. દોઢ મહિના પહેલા બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજની આ દશા જોઈ સ્થાનિકો પણ રોષે ભરાયા હતા. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર આ બ્રિજના કામને ધોધમાર વરસાદે ખુલ્લું પાડ્યું હતું.
ભ્રષ્ટાચારની પોલ ખુલી: 18મી મેના રોજ સુરતને પોતાનો 120મો બ્રિજ 118 કરોડના ખર્ચે મળ્યો હતો. રિવર બ્રિજનું નામ ગુરુકુળ બ્રિજ રાખવામાં આવ્યું હતું. આ બ્રિજના કારણે 6 લાખથી પણ વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળી રહી હતી. સાથે જ તેમના સમયનો બચત પણ થઈ રહ્યો હતો. ઉદ્ઘાટનમાં કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ હાજર રહ્યા હતા. જે બ્રિજના પ્રચાર-પ્રસાર કરીને સુરત મહાનગરપાલિકા પોતાની મોટી ઉપલબ્ધિ જણાવી રહી હતી તે જ બ્રિજનો એક તરફ નો ભાગ દોઢ મહિના બાદ એક ફૂટથી પણ વધારે નીચે ઘસી ગયો હતો. સમગ્ર મામલે ઈજારદાર કંપની વિજય મિસ્ત્રી અને સાથે પ્રોજેક્ટ કન્સલ્ટન્સી ગ્રીન ડિઝાઇનને મનપાએ નોટિસ ફટકારી છે.
તિરાડ 2 ઇંચથી લઈ 21 ઇંચ સુધી ઊંડી: ગુરુકુળ બ્રિજ બેસી જતા નગરપાલિકા પર પસ્તાળ પડી રહી તે દેખાઈ રહ્યું છે. બ્રિજ બેસી જતા નગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. આશરે એક ફૂટથી પણ વધુ ભાગ ઢસી ગયો હતો એટલું જ નહીં 50 મીટર સુધી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડ 2 ઇંચથી લઈ 21 ઇંચ સુધી ઊંડી હતી. ભ્રષ્ટાચાર ફરી એક વખત ઉજાગર થયો હોય તેવો આક્ષેપ પણ લોકો લગાવી રહ્યા છે.
પાલિકાની કામગીરી પર સવાલો: બ્રિજ દોઢ કિલોમીટર લંબાઇ ધરાવે છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર આ પુલનો એપ્રોચ માત્ર 41 દિવસમાં બેસી જતા વિપક્ષ પાલિકાની કામગીરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘટના બની ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ બ્રિજ પર પહોંચી ગયા હતા અને નારે બાજી પણ કરી હતી. પાલિકાના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા અને તાપીનો આ પુલ બંને તરફથી બંધ કરી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
" પાણીની લાઈન ખસેડવાની કામગીરી કર્યા બાદ રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ ઇજારદાર વિજય મિસ્ત્રી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જીઓ ડિઝાઇનને શો કોઝ નોટિસ પણ ફટકારી છે. બંનેને નોટિસ પાઠવી ખુલાસો પણ મંગાવવામાં આવ્યા છે. સાથે જે પણ નુકસાન થયું છે તે તેનો ખર્ચ પણ પાલિકા ઇજારદાર પાસેથી વસુલ કરશે." - નગરપાલિકાના બ્રિજ વિભાગના એન્જિનિયર અક્ષય પંડ્યા
બ્રિજનો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે કનેક્શન: સુરત મહાનગર પાલિકાએ જ્યાં આ પુલ બનાવ્યો છે ત્યાંથી ભગવાન સ્વામિનારાયણે 207 વર્ષ પહેલા તાપી નદી ઓળંગી હતી. આવી સ્થિતિમાં આ બ્રિજ સાથે જૂનું જોડાણ સામે આવ્યું છે. સ્વામી નારાયણ સંપ્રદાયના દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ છે. સ્વામી નારાયણ સંપ્રદાય અનુસાર, ભગવાન સ્વામિનારાયણે 207 વર્ષ પહેલા તાપી નદી પાર કરી હતી. ત્યારપછી તે ધરમપુરની રાણીના આમંત્રણ પર પહોંચ્યો હતો. તેમણે અહીંથી તાપી નદી ઓળંગીને વરિયાવ ખાતે રાત્રિ આરામ કર્યો. જેના કારણે બ્રિજને ગુરુકુલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં બ્રિજ દુર્ઘટનાના અન્ય બનાવ:
- ડિસેમ્બર-2021માં ઔડા હસ્તકના મુમતપુરાના નિર્માણાધીત બ્રિજતો એક સ્પાન ધડાકાભેર તૂટી પડ્યો હતો
- અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવા નિર્ણય થયો
- લોકાર્પણ કરાયાના 7 મહિતામાં જ અટલ ફૂટ બ્રિજના કાચમાં તિરાડો પડી, તમામ 8 કાચ બદલી નાખી લોખંડની રેલિંગ નાખી
- અમદાવાદ શાસ્ત્રી બ્રિજના નીચેના ભાગમાં તિરાડો પડતા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી
- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના માયાપુર ગામે બે ગામને જોડતા બ્રિજ ઉદ્દઘાટન થાય તે પહેલાં બ્રિજ વચ્ચેથી બે કટકામાં તૂટ્યો હતો