સુરત : ડાયમંડ કિંગ અને દાનવીર તરીકે વિશ્વભરમાં પોતાની ઓળખ ઉભી કરનાર સુરતના હીરાના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું યુકેની સંસદમાં ઉત્કૃષ્ટક સામાજિક કાર્ય બદલ સન્માન કરાયું છે. તેઓને યુકેના સંસદ હાઉસ ઓફ લોર્ડ્સના ચોલમોન્ડલી રૂમમાં આયોજિત કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન તેઓને ભારત અને બ્રિટિશ સંબંધોમાં તેમજ હીરા ઉદ્યોગમાં કરવામાં આવેલા અમૂલ્ય યોગદાન બદલ આપવામાં આવ્યું હતું.
શા માટે થયું સન્માન : જ્યારે પણ ગોવિંદ ધોળકિયાનું નામ સાંભળવા મળે છે. ત્યારે સમાજ અને ખાસ કરીને રામ મંદિર માટે આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે. હીરા જગતમાં તેઓ ડાયમંડ કિંગ તરીકે પોતાની ઓળખ ધરાવે છે. સમાજ માટે અને ખાસ કરીને હીરા ઉદ્યોગમાં કરવામાં આવેલા તેમના અમૂલ્ય કાર્ય હેતુ તેમને યુકેના સંસદમાં વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોર્ડસ સહિત ત્યાંના સંસદ સભ્યો શહેરના શિક્ષકવિંદો તેમજ ઉદ્યોગપતિઓ સહિત શહેરના નામાંકિત લોકો હાજર રહ્યા હતાં.
સાત ધોરણ ભણ્યાં છે ગોવિંદ ધોળકિયા : ગોવિંદ ધોળકિયાની વાત કરવામાં આવે તો તેઓ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક છે અને અગાઉ તેઓ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સહિત હન્ડ્રેડ મોસ્ટ પાવરફુલ બિઝનેસ લીડર એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલું જ નહીં રામ જન્મભૂમિ માટે તેઓએ 11 કરોડનું દાન પણ આપી ચૂક્યા છે. તેઓ માત્ર ધોરણ સાત સુધી ભણ્યા છે પરંતુ આજે અબજો રૂપિયાના કારોબારના માલિક છે.
સાધારણ ખેડૂત પરિવારમાં જન્મ : ખેડૂત પરિવારમાં જન્મ તેઓ અગાઉ આરએસએસ સાથે પણ જોડાયા હતાં. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ ધાર્મિક છે એવું લોકો માને છે. તેઓ હાલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલા છે. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને નાનપણમાં તેઓ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પોતાના ગામથી સુરત આવી ગયા હતાં. અહીં એક રત્નકલાકાર તરીકે શરૂઆત કરી હતી અને આજે ગુજરાતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ તરીકે જાણીતા થયા છે.
આ પણ વાંચો સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા બન્યા રામમય, મંદિર માટે કર્યું 11 કરોડનું અનુદાન
બંને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ બને તે અંગે ચર્ચા : લંડનમાં ગોવિંદ ધોળકિયાને ત્યાંના રાજકારણીઓ અને શહેરના શિક્ષાવિંદ સહિત નામાંકિત વ્યક્તિઓ વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભારત અને બ્રિટિશ સંબંધોમાં તેમજ હીરા ઉદ્યોગમાં અતુલ્ય યોગદાન બદલ તેમનો સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર મહાનુભાવોએ ગોવિંદ ધોળકિયાના કાર્યની પ્રશંસા પણ કરી હતી. ગોવિંદ ધોળકિયાએ આ કાર્યક્રમમાં બંને દેશો વચ્ચે કઈ રીતે વધુ ગાઢ સંબંધો સ્થાપિત થઈ શકે આ માટેની વાતચીત કરી હતી.