સુરત: વલાક પાટિયાના પૂર્વ ડેપ્યુટી સરપંચ હમીદ મહીડા વિવાદમાં ફસાયા છે. તેઓના કાર્યકાળમાં ગૌચરની જમીન વેચવાના કૌભાંડમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ થતા પૂર્વ ડેપ્યુટી સરપંચ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. ફરિયાદી વલ્લભભાઈએ જમીન ખરીદવા રૂપિયા 3.40 કરોડ આપ્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
ગૌચરની જમીન બારોબાર વેચાઈ: ગૌચરની જમીન વેચી મારી ઠગાઈ કરતાં મામલો સરથાણા પોલીસ મથકમાં પહોંચ્યો છે. ફરિયાદી જેતે સમયમાં ભાગીદારીમાં સંતોષી ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચલાવતા હતા. જેથી તેમણે વર્ષ 2004 માં આ ટ્રસ્ટ માટે જમીન ખરીદવાની હોવાથી જમીન દલાલીનું કામકાજ કરતા યુસુફ રસુલ મહીડાને વાત કરી હતી. તેમણે વાલક સરથાણા ગૂપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હમીદ કાલુ મહીડા સાથે પરિચય કરાવ્યો હતો. વલ્લભભાઈએ તેમને ટ્રસ્ટ માટે કામરેજ વિસ્તારમાં જમીન ખરીદવાનું જણાવ્યું હતું. જેથી સરથાણા કામરેજની સીમમાં આવેલી ગ્રામ પંચાયતની ગૌચરની જમીન બતાવી હતી. હમીદ મહીડાએ પોતે વાલક સરથાણા ગુપના ડેપ્યુટી સરપંચ છે અને સરપંચની સત્તા પ્રમાણે સરકારની ગ્રામ પંચાયતને જમીન આપેલી છે. અને જમીન વેચાણ કરવાના તેઓ હકદાર છે.
'પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદી વલ્લભભાઈ શંભુભાઈ રાદડિયાની ફરિયાદ નોંધવામાં આવી છે. હમીદ કાલુ મહિડા અને દલાલ યુસુફ રસુલ મહિડા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હમીદ મહીડાએ તેના હોદાનો દુરપયોગ કરી ગૌચરની જમીન વેચાણ કરવા માટે સત્તા નહીં હોવા છતાંયે વેચાણ કરી પૈસા પડાવ્યા હતા. અને પંચાયતના નિયમ વિરૂધ્ધ ઠરાવ પણ કરી આપ્યો હતો. જ્યારે ગૌચરની જમીન બાબતે આવી કોઈ સત્તા ડેપ્યુટી સરપંચ પાસે નથી.' - સરથાણા પોલીસ
3.40 કરોડમાં સોદો કર્યો: વલ્લભભાઈને જમીન પસંદ પડતા રૂપિયા 3.40 કરોડમાં સોદો કર્યો હતો. વલ્લભભાઈએ ટુકડે ટુકડે કરી તમામ પૈસા ચુકવી આપ્યા હતા.પરંતુ પૈસા પડાવ્યા બાદ અવાર નવાર જમીનના કબજા માંગતા બંને જણા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જેથી શંકા જતા વલ્લભભાઈએ તેમના પૈસાની પરત માંગણી કરવા છતાંયે પૈસા કે ગૌચરની જમીન નહીં આપી છેતરપિંડી કરી હતી અને હવે અંતે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.