Surat: પાંડેસરા વિસ્તારના કાશીનગરમાં રહેતો 30 વર્ષીય ટીંકુ અમરસિંગ જાતક ગણેશ ચતુર્થીને દિવસે અકસ્માતનો ભોગ બન્યો હતો. ચતુર્થીને દિવસે ટીંકુ અન્ય ભક્તો સાથે ગણેશજીની પ્રતિમા ટેમ્પામાં લઈને આવી રહ્યો હતો. ટીંકુ ટેમ્પાની ઉપર બેઠો હતો આ દરમિયાન તેને એક ઈલેક્ટ્રિક વાયર સ્પર્શી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. ટીંકુને એટલો જોરથી ધક્કો વાગ્યો કે તે સીધો રસ્તા પર પટકાયો હતો.
જોરદાર પટકાયોઃ ટીંકુને કરંટનો ધક્કો એવો લાગ્યો કે તે ટેમ્પા પરથી સીધો રસ્તા પર પટકાયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ ટીંકુને 108 મારફત નવી સિવિલ પહોંચાડવામાં આવ્યો. અહીં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ટીંકુની સારવાર SICU વોર્ડમાં ચાલી રહી હતી. ગણેશ ચતુર્થીને દિવસે ઘાયલ થયેલા ટીંકુએ આજે ગણેશ વિસર્જનના દિવસે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. વિસર્જનને દિવસે જ તેણે જીવ ગુમાવી દીધો હતો. આ યુવકના મૃત્યુને પરિણામે પરિવાર, સોસાયટીની સાથે સમગ્ર વિસ્તાર શોકગ્રસ્ત બની ગયો હતો.
આ ઘટના 19મી સપ્ટેમ્બરના રોજ અમે ગણપતિ લઈને આવી રહ્યા હતા. ટીંકુ ટેમ્પાની ઉપર ચઢી ગયો હતો. અહીં તેને લાઈવ વાયરમાંથી કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. જેથી તેના માથાના ભાગે ઈજાઓ થતા તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અહીં તેને SICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેણે મૃત જાહેર કર્યો હતો...મદન જાતક(મૃતક ટીંકુનો મોટોભાઈ)
ટીંકુનો પરિવાર નંદવાયોઃ ટીંકુ સંયુકત કુટુંબમાં રહેતો હતો. ટીંકુ પ્રાઈવેટ કંપનીમાં વેલ્ડિંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના લગ્ન 6 વર્ષ અગાઉ થયા હતા. આ લગ્નને પરિણામે તેને 5 વર્ષની દીકરી હતી. ટીંકુ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતો હતો. ટીંકુની દીકરીને ટીંકુ સાથે સૌથી વધુ બનતું હતું. ટીંકુના કરુણ અવસાનથી સમગ્ર પરિવાર નંદવાયો છે.