જામનગર: રાજ્યભરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. ક્યાંક લગ્નના ફેરા ફરતા પહેલા વરરાજા તો ક્યાંક પીઠી ચોળેલી સ્થિતિમાં કન્યા વોટ આપવા મતદાન મથકે આવી રહી છે. આ વચ્ચે જામ જોધપુરમાં એક બીમાર વૃદ્ધા સ્ટુલના ટેકે ચાલતા મતદાન મથકે પહોંચ્યા હતા.
બીમારીના કારણે સ્ટૂલ લઈને મતદાન કરવા પહોંચ્યા વૃદ્ધા
જામ જોધપુરની સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલ ખાતે વૃદ્ધ મહિલા કમરની બીમારીથી પીડિત હોવાના કારણે સ્ટુલ લઈને મતદાન કરવા આવ્યા હતા. મહિલા પાસે વ્હીલ ચેર ન હોવાના કારણે સ્ટૂલના સહારે મતદાન કરવા પહોચ્યા હતા. આ દરમિયાન માજી મંત્રી ચીમનભાઈ સાપરિયાએ મહિલા સાથે વાતચીત કરીને તેમના ખબર પૂછ્યા હતા. સ્ટૂલના સહાર ચાલતા મતદાન મથકે આવેલા વૃદ્ધોનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં વૃદ્ધા સ્ટૂલના સહારે ધીમે ધીમે ચાલતા દેખાય છે. વીડિયોમાં તેમને એક વ્યક્તિ બીમારી અંગે પૂછે છે. ત્યારે તેઓ જણાવે છે કે, કમર ખોટી પડી ગઈ છે. આના કારણે તેમને બેસવામાં અને ઊભા થવામાં તકલીફ પડે છે. જોકે આટલી તકલીફ હોવા છતાં તેઓ વોટ આપવાના પોતાના જવાબદારી ચૂક્યા નહોતા.
જામનગરની 3 નગરપાલિકામાં 232 ઉમેદવાર મેદાનમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે આજે જામનગરમાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ચૂંટણી માટે મતદાન થયું છે. ધ્રોલની 24, કાલાવડની 27 અને જામજોધપુરની 28 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. જામવંથલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. જામનગરની ત્રણેય નગરપાલિકામાં કુલ 66,963 મતદારો છે. ત્રણેય નગરપાલિકાઓમાં આજે કુલ 232 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે.
આ પણ વાંચો: