સુરત : આમ તો ગણેશ પર્વ પર અવનવી પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. પરંતુ સુરત શહેરમાં દેશમાં પ્રથમવાર ગણેશજીની એવી પ્રતિમા બનાવવામાં આવી છે, જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે. આ પ્રતિમા માટી કે અન્ય વસ્તુઓથી નહીં પરંતુ 2655 કિલો સાબુથી તૈયાર કરવામાં આવી છે. સુરતની ડેન્ટિસ્ટ અદિતિ મિત્તલ દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત છે કે, તેઓએ ગણેશજીની પ્રતિમા સાથે ચંદ્રયાન 3 અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પણ દર્શાવી છે. આ પ્રતિમાને બનાવવા માટે સાત દિવસ લાગ્યા છે.
6 ફૂટની ઊંચી પ્રતિમા : અંદાજે 2655 કિલો સાબુ જે 11 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી છે. તેની ઉપર સાડા 6 ફૂટની ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે. એટલું જ નહીં ચંદ્રયાન મિશનની ટીમ પર તેઓએ ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે. શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યા છે.
હું ડેન્ટિસ્ટ છું. પરંતુ આર્ટ મારી રુચિ છે. શ્રીજી વિઘ્નહર્તા આવનાર દિવસોમાં પણ ભારત પર આવનાર તમામ વિઘ્નો દૂર કરશે. આ થીમ ઉપર આ આખી ડિઝાઈન તૈયાર કરી છે. આ થીમથી લોકોને ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, આધુનિકતા સહિતની અન્ય વસ્તુઓ જોવા મળશે. -- ડો. અદિતિ મિત્તલ
સાબુમાંથી ગજાનંદની મૂર્તિ : આ અંગે ડો. અદિતિ મિત્તલએ જણાવ્યું હતું કે, આમ તો હું ડેન્ટિસ્ટ છું. પરંતુ આર્ટ મારી રુચિ છે. આ વખતે સાબુથી ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે. જેમાં કુલ 177 સાબુના શીટ વાપર્યા છે. એક સાબુની સીટ 15 કિલોની હોય છે. જેથી કુલ 2655 કિલો સાબુમાંથી ગજાનંદની પ્રતિમા તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને આ વખતે આ સાબુથી ગણપતિ તૈયાર કર્યા છે. દસ દિવસ અમે ગણેશજીની પૂજા અર્ચના કરીશું. ત્યારબાદ વિસર્જિત કરી આ સાબુ સ્લમ એરિયામાં લોકોને આપવામાં આવશે. જેથી સ્વચ્છ ભારત અભિયાનને પણ વેગ મળી શકે.
મિશન ચંદ્રયાન થીમ : ડો. અદિતિ મિત્તલએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સાબુથી આ ગણપતિ તૈયાર થયા નથી. પરંતુ ચંદ્રયાન 3 થીમ પર આ આખી ડિઝાઇન તૈયાર કરી છે. ચંદ્રયાન પણ સાબુ પર બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શિવ શક્તિ પોઇન્ટ નામ આપ્યું છે તે પણ ઉલ્લેખિત છે. તે તિરંગો પણ બનાવ્યો છે. વિશ્વની પ્રતિકૃતિ પણ જોવા મળશે જેની ઉપર ઈસરોનો રોકેટ સ્પષ્ટ પણે જોવા મળશે. વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પણ આ થીમના માધ્યમથી દર્શાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.