સુરત : ઓલપાડ તાલુકા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ, જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સી.આર. પાટીલે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ડબલ ખુશીનો છે. ત્રણ રાજ્યમાં ભાજપ સરકાર બની છે. આ જીતનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
વિપક્ષ પર ચાબખા : ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર ખુશી વ્યક્ત કરવા સાથે વિપક્ષ પર ચાબખા મારતા સીઆર પાટીલે કહ્યું કે, આલી મવાલી ચૂંટણીમાં આવી જાય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેંટી આગળ કોઈ નથી. આ લોકો વરસાદી દેડકાની જેમ ચૂંટણી રૂપી વરસાદના સમયે નીકળી આવતા હોય છે. વરસાદ પૂર્ણ થયા બાદ દેખાતા પણ નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવાની છે.
આલી મવાલી ચૂંટણીમાં આવી જાય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેંટી આગળ કોઈ નથી. આ લોકો વરસાદી દેડકાની જેમ નીકળી આવતા હોય છે. ચૂંટણી રૂપી વરસાદ પૂર્ણ થયા બાદ દેખાતા પણ નથી. -- સી.આર. પાટીલ (ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ)
મતદારોનો આભાર માન્યો : ચૂંટણી પરિણામ પર વાત કરતા સીઆર પાટીલે જણાવ્યું કે, ઘણા બધા લોકોને આ જીત અપેક્ષિત ન હતી. મોદી સાહેબ અને મતદારોનો આભાર માનવો જોઈએ જેમણે ખોબલે ખોબલે મત આપ્યા છે. એક મત ઓછો મળે તો પણ આંસુ છલકાય છે. વિધાનસભામાં ઘણી બેઠક ઓછો મતથી હાર્યા હતા. 182 માંથી 156 આવી તેનું પણ દુઃખ હતું. જેટલી સીટ હાર્યા હતા એટલે દુઃખ થયું હતું. કોંગ્રેસની સીટ ભાજપે કબજે કરી છે. પરેશ ધાનાણીને ઘર ભેગા કરી દીધા છે. જીતની હેટ્રિક કરવાની છે. નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવી હેટ્રિક કરવાની છે. ગુજરાતની 26 સીટ જીતીશું પણ દરેક સીટ 5 લાખની લીડથી જીતીશું.
કાર્યકરોને અપીલ : આ ઉપરાંત સીઆર પાટીલે ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારોને દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અલગ અલગ યોજનાઓ વિશે હાજર લોકોને માહિતી આપી હતી. ઉપરાંત દરેક યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.