પાલ ગ્રીન સીટી ખાતે રહેતી ગીતા રાજેશ ઠક્કર નામની વિધવા મહિલા અને તેનો પુત્ર પ્રેમ રાજેશ ઠક્કર, શીતલ અશીષ ધામેચા તેનો પતિ આશીષ શાંતિલાલ ધામેચા અને કમલેશ મનુ પટેલ બપોરે સાડા બાર વાગ્યાના સુમારે મીનાબેન મહેશભાઇ પટેલના ઘરે ગયા હતા. કોસાડ બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા આ પરિવાર પાસે જઇને આ પાંચેય વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી હતી.
તેમજ ઘરમાં જે કાંઇ રોકડ રકમ હોય તે આપી દેવા માટે ક્હ્યુ હતું. જેથી મીનાબેન ગભરાઇ ગયા હતા અને પોતાના ઘરમાંથી રોકડા રૂપિયા 50 હજાર લાવીને તેમને આપ્યા હતા. જો કે, આ બધી બબાલમાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને કમલેશ મનુ પટેલને ઓળખી ગયા હતા જેથી તેમણે આ તમામ પાસે અધિકારી તરીકેના આઇ કાર્ડ સહિતના પુરાવાની માંગણી કરી હતી.
લોકોની પાસે પોતાની પોલ ખુલ્લી થઇ જશે એમ લાગતા આ તમામે રૂપિયા 50 હજાર મીના બેનના ઘરમાં ફેંકી દઇ અને નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક લોકોએ તેમને ઝડપી લઇ અને અમરોલી પોલીસને હવાલે કર્યા હતા.