સુરત: શહેરના અડાજણની 24 કરોડના જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં દુર્લભ પટેલની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ચકચારી પાટીદાર આગેવાન આપઘાત પ્રકરણ : PI સહિત ચાર પોલીસકર્મો સસ્પેન્ડ આ પ્રકરણમાં જ્યાં જિલ્લા પોલીસે એસઆઈટીની રચના કરી હતી. ત્યારે શહેર પોલીસે પણ ચાર પોલીસકર્મી સુરતના હોવાના કારણે ખાતાકીય તપાસ માટે DCP પન્ના મોમૈયાને તપાસ સોંપી હતી. પ્રાથમિક તપાસમાં આ ચારે તથ્યોના આધારે આરોપી જણાઈ આવતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે પીઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, દુર્લભ પટેલ આપઘાત પ્રકરણમાં આરોપી સુરતના પોલીસ કર્મી હોવાના કારણે ડીસીપી ઝોન - 4 ના અધિકારી પન્ના મોમૈયાને ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તમામ તથ્યોના આધારે રાંદેર પી.આઇ લક્ષ્મણશિંહ બોડાણા, પો.કો.અજય ભોપાળા, રાઇટર કિરીટશિંહ પરમાર સહિત ઉધના પોલીસ મથકના પો.કો.વિજય શિંદેને સસ્પેન્ડ કરાયા છે. હાલ પણ તપાસ ચાલુ રહેશે.