- સુરતમાં સ્માર્ટ ક્લાસરૂમ માટે માગવામાં આવેલા લાંચ કેસ મામલો
- મહુવા તાલુકાના પૂર્વ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીએ માગી હતી લાંચ
- પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ માટે રૂપિયા 15 હજારની માગી હતી લાંચ
- સુરત એસીબીએ ત્રણ વર્ષ બાદ પૂર્વ સરપંચ સામે લાંચનો ગુનો નોંધ્યો
બારડોલી: મહુવા તાલુકાની કાની ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ સામે લાંચની માગણી કરવાના આરોપસર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઉપસરપંચની અટક કરી છે. ઉપસરપંચ અને તલાટીએ વર્ષ 2017માં પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાના નાણાની ચૂકવણીના ચેકની અવેજ પેટે રૂપિયા 15 હજારની માગણી કરી હતી. સુરત જિલ્લા એસીબી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, કાની ગ્રામ પંચાયતમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ વર્ષ 2017માં એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીને કામ પૂર્ણ થયા બાદ નાણાની ચૂકવણીનો ચેક આપવાના અવેજ પેટે રૂપિયા 15 હજારની માગણી તત્કાલિન તલાટી કમ મંત્રી નૈમેષ રમણભાઈ પટેલ તેમ જ ગામના ઉપસરપંચ કિરણભાઈ ભીખુ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
શંકા જતાં લાંચ સ્વીકારી ન હતી
ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેણે સુરત ગ્રામ્ય એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એસીબીની ટીમે 11 સપ્ટેમ્બર 2017ના દિવસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન જ ઉપસરપંચ કિરણ પટેલને શંકા જતાં લાંચ સ્વીકારી ન હતી અને તે સમયે નિષ્ફળ છટકા નંબર 02/2017થી નોંધ કરવામાં આવી હતી.
તપાસમાં લાંચ માગી હોવાનું થયું સાબિત
બાદમાં આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસના અંતે આરોપીઓ વિરૂદ્ધ લાંચની માગણી કર્યા અંગેનો સાહેદોના નિવેદન, દસ્તાવેજી પૂરાવા અને વૈજ્ઞાનિક પૂરાવા મળી આવ્યા હતા, જેમાં ફોન રેકોર્ડિંગનું એફએસએલ દ્વારા તપાસ થતાં લાંચ માગી હોવાનું પૂરવાર થયું હતું.
તલાટીનું 2018માં થયું હતું મૃત્યુ
જોકે, ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી નૈમેષ રમણભાઈ પટેલનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતાં પોલીસે માત્ર તત્કાલીન ઉપસરપંચ કિરણ ભીખુભાઈ પટેલ વિરૂદ્ધ ગુરુવારે ગુનો નોંધી તેમની અટક કરી હતી.