સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના માંગરોળ, ઉમરપાડા બાદ મહુવા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહુવા તાલુકામાં આવેલ અંબિકા નદી બાદ હવે ઓલણ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ થવા પામી છે. મહુવા તાલુકાના સંગ્રામપુરા, મહુવારીયાથી પસાર થતા બે કોઝ વે પાણીમાં ગરકાવ થતા રહીશોની દશા કફોડી બની હતી. વર્ષો જૂની આ સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ બાજુમાંથી પસાર થતા અન્ય એક કોઝ વે પરથી પાણી વહેતા થતા ગ્રામજનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
મહુવા તાલુકામાં ઓલન નદીના કોઝ વે પાણીમાં ગરકાવ થતા લોકોના રોજિંદા કામ-કાજ અને આવન જાવન પર પણ રોક લાગી જવા પામી છે. કારણ કે, કોઝ વે પર પાણી ફરી વળતા આસ પાસના ગ્રામજનોએ 10 KMથી વધુ મુસાફરી કરવાનો વારો આવ્યો છે.
મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ડાંગ જિલ્લાની નદીઓનું પણ પાણી આવે છે. જ્યારે ઓલણ નદીમાં તાપી જિલ્લાની નદીઓનું પણ પાણી આવે છે. વર્ષો જૂની સમસ્યા હોવા છતાં કોઝ વે ઊંચો કરવાની કામગીરી કરાઈ નથી. જેનો રોષ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. અનેક વાર રજૂઆતો કરવા છતા પણ ચૂંટણી પૂરી થયા બાદ તમામ રજૂઆત કોઇ પણ નિરાકરણ આવતુ નથી. મહુવાના ધારાસભ્ય પણ સ્થાનિક હોવા છતાં વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવી શક્ય નથી, હાલ માછી સાદડા , મહુવારીયા, સંગ્રામપુરા સહિતના ગામો મુખ્યમાર્ગથી સંપર્ક વિહોણા બની ગયા છે.