- ગામમાં હાલમાં 44 કેસો એક્ટિવ
- કોવિડ સેન્ટરો પર ફોટો પડાવતા સાંસદ નહી દેખાતા ગ્રામજનોમાં રોષ
- છેલ્લા ત્રણ દિવસમાં 9ના મોતથી ગામમાં દહેશત
સુરત: માંડવી તાલુકાના નંદપોર ગામમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગામમાં છેલ્લા એક મહિનામાં 20 વ્યકિતઓના શંકાસ્પદ મોત થયા છે. જે પૈકી 9ના મોત તો છેલ્લા 3 દિવસમાં જ થતાં ગામમાં દહેશતનો માહોલ છે. મોતને ભેટેલા 20 પૈકી ત્રણ વ્યક્તિઓ સત્તાવાર પોઝિટિવ હતા. જ્યારે અન્ય મૃતકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો ન હતો.
આ પણ વાંચોઃ મોરબીના રવાપર ગામના 47 વર્ષના વ્યક્તિનું કોરોનાના કારણે મોત
ટેસ્ટ નહિ કરાવનારના થઈ રહ્યા છે શંકાસ્પદ મોત
સુરત જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક લોકો કોરોનાની જપેટમાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મરણઆંક પણ મોટો છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કોરોનાના ટેસ્ટ નહી કરાવનાર અનેક લોકોના શંકાસ્પદ મોત થઈ રહ્યા છે.
એકાએક મોત વધતા શરૂ થયો રેપીડ ટેસ્ટ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના નંદપોર ગામની સ્થિતિ વધુ ભયાવહ બની છે. ગામમાં એપ્રિલ માસમાં જ 20 જેટલા વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા હોવાની વિગતો સામે આવી છે. ગામમાં વધી રહેલા કેસને કારણે લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. 1500ની વસ્તી ધરાવતા ગામમાં એક જ મહિનામાં 20 જેટલા મોત થતાં સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. એકાએક લોકોના મોતની સંખ્યા વધતાં ગામના સરપંચ દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરવા માટે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાખ્યા છે. ગામમાં ઘરે-ઘરે જઈને રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
બે દિવસથી કરવામાં આવી રહ્યા છે રેપીડ ટેસ્ટ
ગામના સરપંચ ગીતાબેન સન્મુખભાઈએ જણાવ્યુ હતું કે, ગામમાં કુલ 17 એક્ટિવ કેસો હતા. દરમિયાન શુક્રવારે ગામમાં 132 લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા 12 લોકો પોઝિટિવ નીકળ્યા હતા. જ્યારે શનિવારના રોજ 213 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 પોઝિટિવ નીકળતા 44 જેટલા કેસો એક્ટિવ થયા છે.
ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગામના ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. આટલી ભયાનક પરિસ્થિત છતાં માંડવીના ધારાસભ્ય કે આ જ વિસ્તારમાંથી આવતા બારડોલીના સાંસદ ગામમાં ફરક્યાં સુદ્ધાં નથી.
આ પણ વાંચોઃ નવજાત બની રહ્યાં છે કોરોનાનો કોળિયો
ચૂંટણીમાં મત માગવા આવેલા નેતા નહી ફરકતા રોષ
ગામમાં એક મહિનામાં 20-20 મોત થયા છતાં સાંસદ પ્રભુ વસાવા માત્ર કોવિડ સેન્ટરો પર ફોટો પડાવી સોશિયલ મીડિયામાં મૂકી સંતોષ માની રહ્યા છે. આટલા દિવસથી મોત થઈ રહ્યા હતા, છતાં વહીવટીતંત્ર અને આરોગ્યતંત્રનું ધ્યાન ગયું ન હતું અને સ્થાનિક નેતાઓ વામણા હોવાને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાની ચર્ચા વિસ્તારમાં થઈ રહી છે. લોકો સાંસદ અને ધારાસભ્ય સામે ફિટકાર વરસાવી રહ્યા છે. ચૂંટણી સમયે મતો માંગવા આવતા આ જ નેતાઓ જ્યારે પ્રજા મરી રહી છે, ત્યારે ફોટો પડાવવામાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.