બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થનારી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના હાઈટેન્સન ટ્રાન્સમીશન લાઈન કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. યોગ્ય વળતરને લઈ ખેડૂત સમાજે સોમવારના રોજ પલસાણા મામલતદારને આવેદન આપ્યું હતું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન નજીકના ગામોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના હાઈટેન્સન ટ્રાન્સમીશન લાઈન પસાર થનાર છે. જેને લઈને ખેડૂતો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં જાણ કર્યા વગર કામગીરી શરૂ કરાઇ છે. કામગીરી બાદ પણ ખેડૂતોના વળતર અંગે હજુ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. તેમજ અધિકારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય માહિતી પણ આપવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જેથી આ કામગીરી અટકાવવા બાબતે સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા પલસાણા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ સમગ્ર કામગીરીને ગેરકાયદેસર ગણાવી હતી અને ખેડૂતોને વિશ્વાસમાં લઇને અને વળતર અંગેની માંગ સંતોષાયા બાદ જ કામ કરવા ખેડૂતોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને પલસાણા તાલુકાના ગામોમાં પાવર ગ્રીડના અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી ન હોવાથી બેઠક પડી ભાંગી હતી. હાલ ફરી કામગીરી કરવાની તજવીજ શરૂ થતાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.