કચ્છ: કચ્છના લાખાપર ગામે નીમ કોટેડ યુરિયા ખાતર મામલે બે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વાગડમાં એક બાજુ ખાતરની અછતના પગલે ખેડૂતોને લાઈનમાં ઊભા રહી લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવે છે તો બીજી બાજુ સબસીડી વાળું ખાતર આવી રીતે ચોરી થઈ જવાના કારણે સમસ્યા ઉભી થાય છે. ત્યારે ગુણાતીતપુરથી 80 બોરી ખાતર ભરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો અંજાર વિભાગના ખેતીવાડી અધિકારી ચંદુલાલ માળીએ બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પૂર્વ કચ્છના અંજાર તાલુકાના લાખાપર ગામમાં ખેડૂતોએ નીમ કોટેડ યુરિયા ખાતરની ચોરી થતી ઝડપી પાડી હતી. જે કેસમાં બે આરોપીઓ વિરુદ્ધ અંજાર વિભાગના ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં 14 ઓક્ટોબરના ખેડૂતોએ યુરીયા ખાતર ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી અને સાથે જ બોલેરોના ચાલક નરસંગ રાણાવાડીયાને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યું હતું.
જુનાગઢ ખાતેની ખાતર ચકાસણી લેબમાં નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું
બોલેરો ગાડીમાંથી ઝડપાયેલ ખાતરની 80 બોરી પૈકીની બોરીઓમાંથી કેટલાક નમૂનાઓ 15 ઓક્ટોબરના રોજ લેબ ચકાસણી માટે જુનાગઢ ખાતેની ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાંથી આ ખાતર સબસીડીવાળું ખેતી કામમાં વપરાશમાં લેવાતા નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું હતું.
આ ખાતર કોઈ અન્ય કામ માટે ઉપયોગમાં લેવાનો હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે આ ખાતરની ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બોલેરો ચંદ્રેશ ઠક્કરની હોવાનું સામે આવ્યું હતું. જે ભચાઉનો રહેવાસી છે તેમજ ચોરીનું ખાતર ઘણા તીર્થ પુરના જાડેજા ફાર્મમાંથી ભરવામાં આવ્યું હતું અને ભચાઉના પ્રકાશ પટેલે આ ગાડીને ઓર્ડર આપ્યો હતો. ગાડી ભીમાસર પહોંચે ત્યારે ફોન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ખેતીના ઉપયોગમાં લેવાતું આ ખાતર કોઈ અન્ય કામના ઉપયોગ માટે લઈ જતા હોવાનું સામે આવ્યું હતું.
એક બાજુ ખાતર માટે ખેડૂતોની લાઈન લાગે છે, બીજી બાજુ ખાતરની ચોરી
વાગડમાં સવારના 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહી ખાતર મેળવવા માટે બપોરના 12 વાગ્યા સુધી રાહ જોતા હોય છે. ત્યારે બીજી બાજુ આ સબસીડી વાળું ખાતર આવી રીતે ચોરી થઈ જતું હોવાથી ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો સમય આવ્યો હતો. ત્યારે ભીમાસર પડાણા આસપાસ આવેલી અમુક પ્લાયની ફેક્ટરીઓમાં બહારથી ખાતર આ પ્લાય બનાવવા માટે આવતું હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ અવારનવાર કરી છે. ત્યારે ખરેખર આ નિમ કોટેડ યુરિયા ખાતર ક્યાં જઈ રહ્યું હતું તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.
આ પણ વાંચો: