બનાસકાંઠા: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં પાઘડી બાદ હવે મામેરાની રાજનીતિની એન્ટ્રી થઈ છે. વાવ તાલુકાના બાલુત્રી ગામે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પોતાના સાસરે પહોંચ્યાં હતા. ત્યારે સાસરીયાઓ પાસે મામેરા રૂપી મત માગ્યા હતા.
મત રૂપી મારુ મામેરુ ભરજો: માવજીભાઈ પટેલે જાહેર મંચ પરથી લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ''તમે મારૂ મામેરું તો એકવાર જોરદાર ભર્યું હતું, એમાં કોઈ કમી નથી રાખી પણ હવે એકવાર મત રૂપી મારુ મામેરુ ભરવાનું આવ્યું છે તો એમાં કોઈ કમી ના રાખતા. હું આ વખતે મારા માટે નહીં પણ પ્રજા માટે મામેરું માગુ છું''.
હું આ ગામનો જમાઈ છું: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને રાજકારણ જબરદસ્ત ગરમાયું છે, ઉમેદવારો મત માગવા માટે અલગ-અલગ ગતકડાં કરી રહ્યાં છે, કોઈ ઉમેદવાર કહે છે કમોસમી ચૂંટણી છે, તો કોઈ કહે છે 'બટેંગે તો કટેંગે'. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે આજે વાવના બાલુંત્રી ગામમાં જાહેર સભા યોજી હતી. જેમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે 'હું આ ગામનો જમાઈ છું, મને મત રૂપી મામેરું ભરજો
વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ: બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે સુઈ ગામના પાડણ ગામે સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, કોઈએ અફવામાં ન આવવું. 2022માં આપણે અફવા ના લીધે હાર્યા હતા, અફવા એવી હતી કે ભાજપ કોંગ્રેસ હારે છેને અપક્ષ જીતે છે. આવી અફવા ચાલી હતી પરંતુ આ વખતે પણ આવી અફવા ચાલુ થઈ છે તેમાં આવતા નહીં.
જોકે જનતાનો તો મિજાજ તો તે દિવસે જ નક્કી થઈ ગયું હોય તેમ લાગે છે કે, જે દિવસે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. હવે અંતિમ ઘડીના પ્રચાર માટે ઉમેદવારો અલગ-અલગ કિમીયા અજમાવીને મતદારોને રીજવવાના પ્રયાસો કરી રહ્યા છે.