સુરતના બે વિસ્તારમાં એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે, પરંતુ તેમાં કાર્બન ડાયોક્સાઈડના આંકડા અચરજ પમાડે એવા છે. એર મોનિટરીંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલ ડેટા મનપાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં હાલ વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 0 પીપીએમ (સાંજે 6:10 વાગ્યે) બતાવાઈ રહ્યું છે. એનો અર્થ એ થાય કે, વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડ છે જ નહીં. પાલિકા દ્વારા માત્ર બે મોનીટરીંગ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે. જ્યારે પાલિકા આવનાર દિવસોમાં 10 મોનીટરીંગ સિસ્ટમ લગાડવા જઈ રહી છે.
એક તરફ સુરત ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી રહ્યું છે તે બીજી તરફ જાણે સુરતમાં પ્રદુષણ પણ આગેકુચ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે કારણ કે, લીંબાયત અને વરાછા વિસ્તારમાંથી એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ દ્વારા અપાયેલા ડેટા કે, જે મનપાની વેબસાઈટ પર અપલોડ થાય છે. જેમાં વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ 0 પીપીએમ બતાવામાં આવી રહ્યું છે. મનપાની વેબસાઈટ પર વરાછા ઝોનમાં Co2નો ગ્રાફ પણ લગભગ એક જ રેખામાં બતાવાઈ રહ્યો છે એટલે કે. જાણે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું પણ નથી અને ઘટતું પણ નથી.
મહત્વની વાત એ છે કે, એકવાર જો સજીવોના ઉચ્છવાસ દ્વારા નીકળતા કાર્બન ડાયોક્સાઈડની પણ જો અવગણના કરીએ તો પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ તો હોય જ છે. પરંતુ આ સિસ્ટમમાં એનું પ્રમાણ પણ નથી બતાવામાં આવી રહ્યું એટલે કે, વરાછામાં 0 પીપીએમ કાર્બન ડાયોક્સાઈડ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઈટ કહી રહી છે.
સાથે જ લીંબાયત વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 806 પીપીએમ (સાંજે ''વાગ્યે) બતાવાઈ રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઈડનું આ વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બછાનિધી પાનીએ જણાવ્યું છે કે, સુરતમાં પ્રદુષણનો સ્તર હાનિકારક નથી.
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા મુકવામાં આવેલી બે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ સચિન, પાંડેસરા અને ઉધના જેવા આદ્યોગિક વિસ્તારોની જગ્યાએ વરાછા અને લીંબાયતમાં મુકવામાં આવી છે. જો કે સૌથી વધુ પ્રદુષણ સચિન, પાંડેસરા અને ઉધના જેવા વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારોને ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.