સુરતઃ શહેરની સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર કેમિકલ અગ્નિકાંડમાં 10 કામદારોના કરુણ મૃત્યુ નિપજ્યાં છે. આ સમગ્ર મામલે દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કૉંગ્રેસ કરી રહી છે. સુરત શહેર કૉંગ્રેસ સમિતિએ જીપીસીબીની પાંડેસરા ખાતેની પ્રાંત કચેરી સમક્ષ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોલીસે આ વિરોધ પ્રદર્શન અટકાવવા 15 કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
10 કામદારોના કમોતઃ એથર કેમિકલ કંપનીના અગ્નિકાંડમાં 10 નિર્દોષ કામદારોનો જીવ હોમાઈ ગયો છે. હજૂ સુધી આ અગ્નિકાંડની પોલીસ ફરિયાદ થઈ નથી. આ મામલે દોષીતોને બચાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. સુરત શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા જીપીસીબીના અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. તેથી સમિતિના પ્રમુખ અને કાર્યકરો દ્વારા પાંડેસરા ખાતે આવેલ જીપીસીબીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં બેનર પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરીને કૉંગ્રેસે દોષીતોને કડક સજા કરીને મૃતકોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ અગ્નિકાંડમાં કંપનીના માલિકોની સાથે સરકારનો વિભાગ જીપીસીબી પણ એટલો જ જવાબદાર હોવાનું કૉંગ્રેસ જણાવે છે. પોલીસે આ વિરોધ પ્રદર્શન ડામવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કૉંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી હતી. પોલીસે કુલ 15 કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.
આ સમગ્ર ઘટનાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અકસ્માત ગણાવી રહ્યું છે. જે અત્યંત દુઃખદ બાબત છે. અમારી માંગણી છે કે સરકાર હાઈ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીટની રચના કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવે. જીપીસીબીના અધિકારીઓ દ્વારા પણ દોષીતો વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. હું જીપીસીબીના અધિકારીઓના રાજીનામાની માંગણી કરું છું...હસમુખ દેસાઈ(પ્રમુખ, સુરત શહેર કૉંગ્રેસ સમિતિ)