સુરતના પર્યાવરણ પ્રેમી એવા 'લવ તાપી કેર તાપી' ગૃપ દ્વારા અંબિકા નિકેતનથી લઈને જહાંગીરપુરા ઓવારા સુધી લગભગ 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ દરેક વૃક્ષ નેટિવ વૃક્ષ છે. જે પર્યાવરણ માટે અત્યંત લાભદાયી છે. ખાસ કરીને અંબિકા નિકેતન ઓવરાની વાત કરવામાં આવે તો ત્યાં લગભગ 1500 જેટલા નેટિવ વૃક્ષોનું વાવેતર આ ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે.
સૌથી મહત્વની વાત એ છે કે, વૃક્ષોને પાણી પીવડાવવા માટે પાણીની લાઈનની કોઈ પણ જાતની વ્યવસ્થા પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. જેથી વૃક્ષોની કાળજી રાખવાની શપથ લેનાર આ ગ્રુપના સભ્યોએ પોતાના વાહનો પર કેરબા કે ડોલ દ્વારા પાણી લઈને વૃક્ષોને પીવડાવવાની ફરજ પડી છે. તે ઉપરાંત તાપી કિનારે ફેંકવામાં આવેલા કચરા અને પ્લાસ્ટિકને ઉઠાવીને તેઓ દ્વારા સાફસફાઈ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કારણકે અંબિકાનિકેતનના ઓવરા પર કોઈપણ જાતની સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી નથી.
સુરત મહાનગર પાલિકા પાસે મદદ માંગવામાં આવી હતી. જો કે, ત્યાંથી પોઈન્ટ્સ આપવા કહ્યું છે, પણ મદદ હજી સુધી મળવા પામી નથી. જેથી વૃક્ષો સૂકાઈ ન જાય એ માટે નાના-મોટા કેરબા અને ડોલ વાહનો પર લઈ જઈને ગૃપ દ્વારા પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. સાથે જ અન્ય લોકોને પણ પાણી પીવડાવવાની અપીલ કરવામાં આવી છે.
'લવ તાપી કેર તાપી' ગૃપના ડૉ. દિપક પટેલ કહે છે. 10 થી 15 વર્ષ પહેલા અહીં પાણીની લાઈન હતી. જો કે, કોઈક કારણોસર ચોરાઈ ગઈ કે તૂટી ગયાનું કહેવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમ્યાન અમારા દ્વારા 1500 જેટલા વૃક્ષોનું વાવેતર અહીં કરવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી કોઈ મદદ મળી નથી. જેથી અમે જાતે જ દર રવિવારે સવારે 8 વાગ્યે કેરબા અને ડોલ ભરીને વાહનો પર લઈ જઈએ છીએ અને પાણી પીવડાવીએ છીએ.