સુરત: સુરત શહેરના અનેક વિસ્તારોમાં હાલ હ્યુમન રોબોટની અવર-જવર જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કારણ કે હ્યુમન રોબોટ જોવામાં ખૂબ જ અસામાન્ય છે. આર્મી અને ખાસ કરીને બોમ ડિફયુઝિંગ સ્કોડ માટે સુરતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા હ્યુમન રોબોટ આવનાર દિવસોમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. સુરતના સામાન્ય પરિવારથી આવનાર અને મૂળ ઉત્તર પ્રદેશના પરિવારના આ યુવાનોએ પોતાના ટેલેન્ટથી જે હ્યુમન રોબોટ તૈયાર કર્યો છે તે જોઈ ભલભલા આશ્ચર્યમાં મુકાઈ જાય છે. મેકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણનાર શિવમ મૌર્ય અને તેના મિત્ર સંગમ મિશ્રા સહિત અન્ય વિદ્યાર્થીઓએ ખાસ હ્યુમન રોબોટ તૈયાર કર્યો છે.
![હ્યુમન રોબોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જુના પાર્ટ વાપર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18177976_02.jpg)
સામાન્ય માનવીની જેમ રોડ પર ચાલતો દેખાય: રોબોટનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં આવનાર દિવસોમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ જાણે છે કે રોબોટિક ક્ષેત્રમાં ભવિષ્ય ઉજ્જવળ છે. કોઈપણ ક્ષેત્ર હોય મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલીંગ હોય ત્યાં રોબોટિક વપરાશ વધારે થશે. એટલું જ નહીં સેના માટે અથવા તો સામાન્ય વ્યક્તિ માટે રોબોટિક વપરાશ વધશે. જેના કારણે સુરતના મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હ્યુમન રોબોટ બનાવવાનું વિચાર્યું. અગાઉ પણ આ વિદ્યાર્થીઓ અનેક રોબોટિક ઉપકરણ બનાવી ચૂક્યા છે.
![સામાન્ય માનવીની જેમ રોડ પર ચાલતો દેખાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18177976_01.jpg)
ડીલીવરી હેતુથી બનાવ્યો રોબોટ: આ વિદ્યાર્થીઓએ ડીલીવરી હેતુથી પણ રોબોટ બનાવ્યો છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. જે મોબાઈલથી ઓપરેટ થાય છે અને તેને કમાન્ડ આપ્યા બાદ જે દિશા આપવામાં આવે તે દિશામાં તે મોમેન્ટ કરે છે. એટલું જ નહીં હ્યુમન રોબોટમાં સંગીત પણ વાગે છે. જેનો આનંદ આ હ્યુમન રોબોટ ચલાવનાર વ્યક્તિ લઈ શકે છે. જ્યારે આ હ્યુમન રોબોટને ધ્યાનથી જોવામાં આવે તો આ હ્યુમન રોબોટના પગમાં સ્પોર્ટ શૂઝ પણ નજર આવે છે અને તે સામાન્ય માનવીની જેમ રોડ પર ચાલતો દેખાય છે.
ટેકનોલોજીના માધ્યમથી વધુ કામ કરીશું: આ અંગે શિવમ મૌર્ય એ જણાવ્યું હતું કે, જે રીતે એક વ્યક્તિ ચાલે છે તે જ રીતે અમે આ હ્યુમન રોબોટ બનાવ્યો છે. અત્યારે અમે તેના પગને લઈ ઇનોવેશન કર્યું છે. આવનાર દિવસોમાં તેના શરીરના ભાગે અને ખાસ કરીને માથાના ભાગે ટેકનોલોજીના માધ્યમથી વધુ કામ કરીશું. જે રીતે અમે રોડ પર ચાલીએ છીએ તે તેવી જ રીતે આવનાર દિવસોમાં આ હ્યુમન રોબોટ રોડ પર ચાલી શકશે. આ હ્યુમન રોબોટ મેકેનિકલ છે . તેનો ઉપયોગ આવનાર દિવસોમાં હોસ્પિટલ ,આર્મી કેમ્પસ અને કોઈએ બોમ્બ પ્લાન્ટ કર્યો હોય ત્યાં પણ ઉપયોગમાં કરી શકાય છે.
આ પણ વાંચો Toxic chemicals in paper bags : પેપર બેગ, કમ્પોસ્ટેબલ ફૂડ પેકેજમાં ઝેરી રસાયણો હોઈ શકે છે: અભ્યાસ
બૉમ્બ ડિફયુઝ પણ કરી શકે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જો બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે અથવા તો બ્લાસ્ટ થઈ શકે એમ હોય તેવી પરિસ્થિતિમાં આ રોબોટ ત્યાં જઈને બૉમ્બ ડિફયુઝ પણ કરી શકે છે અને માની લઈએ કે જો બોમ્બ બ્લાસ્ટ પણ થાય તો કોઈ વ્યક્તિને હાની થશે નહીં. રોબોટ તો ફરીથી બનાવી શકાશે. ત્રણથી ચાર વર્ષથી અમે રોબોટ બનાવી રહ્યા છે. માત્ર 20 થી 25 દિવસમાં અમે આ હ્યુમન રોબોટ તૈયાર કર્યો છે. જેમાં સેકન્ડ હેન્ડ વસ્તુઓમાંથી આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આ હ્યુમન રોબોટ ફાઈનલી પૂર્ણ થઈ જશે ત્યારે નવા ઉપકરણોથી અમે આ રોબોટ બનાવીશું.