તાપીઃ જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શુક્રવારે વહેલી સવારે પ્રસૂતિ કરાવવા આવેલી મહિલાને કર્મચારી ન હોવાના કારણે રિક્ષામાં ફરજિયાત પ્રસૂતિ કરાવવી પડી હતી.
એક તરફ સરકાર કરોડના બજેટ સાથે આરોગ્ય સેવાઓ પ્રજાજનોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવાના વાયદાઓ કરે છે, ત્યારે 90 ટકાથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા કુકરમુંડા તાલુકામાં આરોગ્ય તંત્ર સાવ ખાડે ગયું હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાન રૂપાણીએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની આરોગ્ય સેવા અમેરિકા કરતા પણ સારી છે. તેવા સમયે આ પ્રકારની ઘટના રાજ્યના આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઉભા કરે છે. તેમજ મુખ્ય પ્રધાનના નિવેદનને પણ ગેરવાજબી ઠેરવે છે.
કુકરમુંડા તાલુકાના આમોદા ગામની મહિલા નિર્મલાબેન પાયસિંગ વાળવીને વહેલી સવારે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ માટે લાવવામાં આવ્યા હતા. કોઈ જ કર્મચારી હાજર ન હોવાથી સમયસુચકતા અનુસાર આ મહિલાને રિક્ષામાં ફરજિયાત પ્રસુતિ કરાવવી પડી હતી.
આ ઘટનાની જાણ લોકોને થતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યાં હતા. આ સમયે ફરજ પરના નર્સ પણ આગામી 10 તારીખની રજા ચિઠ્ઠી રજીસ્ટરમાં મૂકી જતા રહ્યા હતા. પ્રસુતા મહિલા કડકડતી ઠંડીમાં કણસતી હાલતમાં બાળકીને જન્મ આપ્યો હતો. ગ્રામજનોએ આરોગ્ય કર્મચારીઓ સામે રોષ પ્રગટ કર્યો હતો.
આરોગ્ય સેવા કુકરમુંડામાં ખાડે ગઈ છે, ત્યારે કરોડો રૂપિયા પ્રજાજનોના આરોગ્ય માટે વાપરવાના સરકાર દાવાઓ કરી રહી છે. આ હાવાઓ માત્ર કાગળ પર જ સફળ થયા હોય તેવું કુકરમુંડાની આ ઘટના પરથી લાગી રહ્યું છે. આ વિસ્તારની પ્રજા સારી આરોગ્ય સેવાઓ ઝંખી રહી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, રાજ્યની અસંવેદનશીલ સરકાર આ મામલે કોઈ નક્કોર પગલા લેશે કે કેમ...?