સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉક ડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા જાહેર જનતાને અપીલ કરી છે અને આ સોશિયલ ડિસ્ટન્સનું પાલન વડાપ્રધાન પણ કરી રહ્યા છે.ત્યારે સુરતના મહાનગરપાલિકા દ્વારા દર મહિને યોજનારી સામાન્ય સભામાં પણ એની અસર જોવા મળી હતી.દેશમાં પ્રથમવાર કોઇ પાલિકાની સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી.એક તરફ મેયર અને અધિકારીઓ સુરત મહાનગર પાલિકાના ચેમ્બરમાં હતા.ત્યારે શહેરના કોર્પોરેટરો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સામાન્ય સભામાં જોડાયા હતા.
દર મહિને સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરમાં વ્યવસ્થા અને વિકાસના કાર્યો માટે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવે છે. સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આ સામાન્ય સભા વિડીયો કોન્ફરન્સ દ્રારા કરવામાં આવી હતી.
કોરોનાવાયરસના સંક્રમણને રોકવા લૉક ડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલ સહિત અન્ય અધિકારીઓ સુરત મહાનગર પાલિકાની ચેમ્બરમાં હતા. જયારે શહેરના તમામ કોર્પોરેટરો વીડિયો કોન્ફરન્સથી આ સામાન્ય સભામાં જોડાયા હતા અને શહેરના અગત્યના કાર્યો અંગે ચર્ચા હાથ કરી હતી.