સુરત : કેન્દ્ર સરકારના હિટ ઍન્ડ રનના નવા કાયદાને સમગ્ર દેશભરમાં વિરોધ સર્જાયો હતો, જેમાં સુરત પણ સામેલ રહ્યું હતું. કાયદાના વિરોધમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ડ્રાઇવર, કંડકટર સાથે ચાર લોકોની ધરપકડ કરી છે.
BRTS બસમાં તોડફોડ: જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકાર દ્વારા હીટ એન્ડ રનની ઘટનાઓ રોકવા માટે કડક કાયદા લાવ્યાં હતાં. જેને લઈને દેશભરમાં બસ ચાલકો, બીઆરટીએસ બસ, ટ્રક ડ્રાઇવર સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, કેટલીક જગ્યાએ તો તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે આવી જ એક ઉગ્ર વિરોધભરી ઘટના સુરત શહેરમાંથી પણ સામે આવી હતી. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં એક બીઆરટીએસ બસના કાચ તોડીને બસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગોડાદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
કંડક્ટર અને ડ્રાઈવર જ નીકળ્યાં આરોપી: પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બસમાં તોડફોડ કરનાર બીજું કોઈ અન્ય નહીં, પરંતુ ડ્રાઈવર અને કંડકટર છે, જેઓએ કામ પર ન જવા માટે હડતાળનો ફાયદો ઉઠાવ્યો હતો. બસમાં તોડફોડ પ્રકરણમાં પોલીસે બસ ડ્રાઈવર અને કંડકટરની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ચાલીસ જેટલા CCTV ફૂટેજની ચકાસણી કરી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેની સાથે સાગર, દિનેશ, દિપક અને સમર્થ નામના લોકો પણ સામેલ હતા. જેમાં ડ્રાઇવર અને કંડકટર પણ સામેલ છે. કામ પર ન જવા માટે અને પોતાના હેતુ સિદ્ધ કરવા માટે ડ્રાઇવર અને કંડક્ટરે જાતે જ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી.
મુખ્ય આરોપી અને ડ્રાઇવરની ધરપકડ: સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોડાદરા વિસ્તારમાં બનેલી ઘટના પૂર્વ આયોજીત હતી, જેમાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે સામેલ છે, તે તપાસમાં જાણવા મળ્યું છે, હડતાળનો લાભ લઈ આ લોકો કામ પર ન જવા માટે આ કાવતરું રચ્યું હતું. સાગરે અન્ય કંડક્ટરો સાથે મળીને તોડફોડ કરી હતી. જેથી મુખ્ય આરોપી સાગર અને અન્ય આરોપી સમીર સહિત કંડક્ટરોની ધરપકડ કરી છે અને 120 બી નો કલમ પણ ઉમેરવામાં આવ્યો છે.