- ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ઝાડા ઉલટી બાદ મોત
- પરિવારના લોકો વિદ્યાર્થીને સારવાર અર્થે ભૂવા પાસે લઇ ગયા હતા
- નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા તબીબોએ મૃત જાહેર કરી
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં 12 વર્ષીય સોનાલી ધર્મેન્દ્ર ઠાકુર નામની વિદ્યાર્થીને ગતરોજ વધુ ઝાડા-ઊલટી થયા હતા. સોનાલીના ફુવા નજીકમાં એક ભુવા પાસે સારવાર માટે લઈ ગયા હતા. ભુવાએ વિદ્યાર્થીનીને પાણીમાં લવિંગ નાખી પીવડાવ્યું હતું. વિદ્યાર્થીનીના ફુવા સૂરજ ઠાકુરે ભુવાને સોનાની તબિયત વિશે પૂછતા ભુવાએ જણાવ્યું હતું કે, તેને બહારનું થઈ ગયું છે સારું થઈ જશે. ત્યાર બાદ સોનાને ઘરે લઈ આવ્યા હતા. ઘરે લાગ્યા બાદ વધુ તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી.
વિદ્યાર્થીની સોનાના માતા-પિતા બિહાર ખાતે આવેલા જાહાનેબાદ જિલ્લાના નેવારી ગામમાં રહે છે. સોનાલી અભ્યાસ માટે ફોઈના ઘરે આવી હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. પિતા ધર્મેન્દ્ર ઠાકુર પત્ની અને બે પુત્રો સાથે ગામમાં રહે છે. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્ર ઠાકોરની એકની એક દીકરીનું ઝાડા ઉલટી બાદ અચાનક મોત થઈ જતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.
મૃતદેહને PM અર્થે મોકલી તપાસ હાથ ધરી
ઘટનાને લઇને, પોલીસ નવી સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી. પોલીસે સોનાલીના પરિવારનું નિવેદન લઇ હાલ મૃતદેહને PM અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. બાળકીનું ક્યા કારણોસર મોત નિપજ્યું છે તે PM રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.