ઢાકા: મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે બાંગ્લાદેશના બરતરફ કરાયેલા આર્મી મેજર સૈયદ ઝિયા-ઉલ-હકને નિર્દોષ મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તે અલ કાયદા સાથે જોડાયેલો છે અને અમેરિકાએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
ડિસેમ્બર 2021 માં, અમેરિકાના વિદેશ મંત્રાલયે ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ, તેના રિવોર્ડ્સ ફોર જસ્ટિસ (RFJ) કાર્યાલય દ્વારા, હક (ઉર્ફે મેજર ઝિયા) અને અકરમ હુસૈનની ધરપકડ અથવા દોષિત ઠરાવે તેવી માહિતી આપવા માટે $5 મિલિયન સુધીના ઈનામની ઓફર કરવામાં આવી હતી .
આ બંને અન્ય ચાર વ્યક્તિઓ સાથે ફેબ્રુઆરી 2015માં ઢાકામાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અમેરિકન નાગરિક અવિજીત રોયનું મોત થયું હતું અને તેની પત્ની રફીદા બોન્યા અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૂળ બાંગ્લાદેશમાં જન્મેલા બંને અમેરિકી નાગરિક પુસ્તક મેળામાં ભાગ લેવા માટે ઢાકા આવ્યા હતા ત્યારે તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રોયનું મૃત્યુ થયું હતું, જ્યારે અહેમદ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, બાંગ્લાદેશ સ્થિત અલ કાયદા પ્રેરિત આતંકવાદી જૂથ અંસારુલ્લા બાંગ્લા ટીમે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઝિયા, ત્યાર બાદ કથિત રીતે પાકિસ્તાન ભાગી ગયો હતો. ઝિયાની પણ બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા શોધ કરવામાં આવી રહી હતી. 2016 માં, જાગૃતિ પ્રકાશનના ફોયસલ અરેફિન દીપોન અને કલાબાગાનના જુલ્હાસ-ટોનોયની હત્યાના કેસમાં તેને શોધવા માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 2011માં નિષ્ફળ તખ્તાપલટમાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તાજેતરમાં, વિઝા મેળવવા માંગતા પાકિસ્તાની નાગરિકો માટે ફરજિયાત સુરક્ષા ક્લિયરન્સ નીતિને વ્યાપકપણે હળવી કરવામાં આવી હતી. જેના કારણે થોડા અઠવાડિયા પહેલા ઝિયાને પાકિસ્તાની પાસપોર્ટ પર ઢાકા પરત ફરવાની સુવિધા મળી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે, તેના પરત ફર્યા પછી તરત જ, ઝિયાએ ઔપચારિક રીતે તમામ આરોપોમાંથી મુક્ત થવા અને 29 ડિસેમ્બર, 2024ના રોજ 'મોસ્ટ-વોન્ટેડ' લિસ્ટમાંથી દૂર કરવા માટે અરજી કરી હતી. તેણે તમામ આરોપોને રદ કરવાની અને ઈનામ પાછું ખેંચવાની માંગ કરી હતી.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ ફોર ડિસપિઅરન્સ કમિટી (ICT-BD)ના વડા જસ્ટિસ મૈનુલ ઇસ્લામ ચૌધરી, જે સમગ્ર કેસની તપાસ કરશે, તે ઝિયાના સસરા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર સતત કટ્ટરવાદી શક્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન પછી દેશમાં લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના સતત અહેવાલો સામે આવી રહ્યા છે.