સુરતમાં રાજનીતિ ચરમસીમા પર છે, ત્યારે હવે રાજનીતિ કચરાપેટી પર થઇ રહી છે. સુરતમાં 4 કરોડના ખર્ચે કચરાપેટી ખરીદવામાં આવી હતી. આ કચરાપેટી ખરીદવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો હતો. આ મામલો ગરમાયો હતો, પરંતુ ફરી એક વખત આ કચરાપેટી વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ છે પોસ્ટરનો.
સુરતના અલગ અલગ વિસ્તારમાં કરોડોના ખર્ચે મુકાયેલી કચરાપેટી પર સ્ટીકર લગાડવામાં આવ્યાં છે. જેમાં ભાજપ ભંડોળ પેટી લખવામાં આવ્યું છે. ભાજપ ભંડોળ પેટીના પોસ્ટર્સને લઈ ભાજપના પદાધિકારીઓ શરમની સ્થિતિમાં મુકાયા છે. ભાજપશાસિત સુરત મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ કચરાપેટી પર અઠવા ઝોનમાં મજુરા વિધાનસભામાં આવેલા કચરાપેટીઓ પર ઠેર-ઠેર આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.
આ અંગે કોંગ્રેસ નેતા અનુપ રાજપૂતે જણાવ્યું છે કે, કોઈપણ ટેન્ડર પ્રક્રિયા બહાર પાડ્યા વિના એક જ એજન્સીને હવાલો સોંપી 7 ઝોનમાં કુલ 3થી 4 કરોડના સ્માર્ટ ડસ્ટબીન લગાડવામાં આવ્યા છે. આ મામલે જ્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યાં છે, ત્યારે પાલિકા કમિશ્નર અને મેયર દ્વારા તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. એસીબી દ્વારા પણ અધિકારીઓ અને લાગતા વળગતા શાસકોની તપાસ કરવામાં આવે.
ધારાસભ્ય હર્ષ સંઘવીના ઘરની બહાર, પોલીસ કમિશ્નર કચેરી કલેકટર કચેરી બહાર, કોર્ટ કચેરી ઘોડદોડ રોડ નજીક અને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજીક આવેલ કચરાપેટીઓ પર આ સ્ટીકર લગાવી દેવામાં આવ્યાં છે. આ સ્ટીકરને લઈને ફરી એક વખત સુરતમાં રાજકારણ ગરમાયું છે.