સુરત: હાલ સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે તંત્રની પોલ ખુલ્લી રહી છે.રસ્તાઓ પર પણ મસમોટા ખાડાઓ પડી ગયા છે.ત્યારે ઝંખવાવ રોડ ઉપર દર ચોમાસે ખાડા પડી જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.
"આ બ્રિજ પર છેલ્લા લાંબા સમયથી ખાડાઓ પડી ગયા છે જેને લઇને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને તંત્રની આંખ ખુલ્લે તે માટે ડાંગર સહિતના પાકો રોપવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.આગામી દિવસોમાં જો આ રસ્તાનું સમારકામ નહિ કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું"-- આનંદ ચૌધરી ( માંડવી વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય)
ભાજપ હાય હાય ના નારા: આ વર્ષ પણ સિઝન નો પહેલો વરસાદ પડતા ની સાથેજ વીસડાલીયા નજીક પુલ પર તેમજ માલધા ફાંટા વિસ્તારના મેઈન રોડ ઉપર મોટા ખાડા પડી જતાં જાગૃત નાગરિક દ્વારા જવાબદાર તંત્ર ને લેખિતમાં જાણ કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરાતાં આખરે કોંગ્રેસ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિ અને માજી ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના સભ્યો દ્વારા માંડવી ઝંખવાવ રોડ પર પડેલા ખાડા બાબતે વિરોધ પ્રદર્શન કરી પુલ પર પડેલા ખાડા માં ડાંગર ની રોપણી કરવામાં આવી હતી તેમજ હારે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા.
કાર્યકરો ઉપસ્થિત: કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જાહેર રસ્તા પર પડેલા ખાડા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા જવાબદાર તંત્ર પણ હાજર થઈ ગયા હતા જ્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. હેમંત પટેલ સહિત નો સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં માજી ધારાસભ્ય આનંદ ભાઈ ચૌધરી, તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શંકર ભાઈ ચૌધરી, તાલુકા પંચાયત ના સભ્ય ભીમ સિંગ ભાઈ ચૌધરી, સહિત નાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.