સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યાં ત્રીજી ટર્મ માટે પણ પાર્ટી દ્વારા તેમણે સુરત બેઠક પરથી ફરી રિપીટ કર્યા છે. દર્શના જરદોશને ભલે પાર્ટીએ ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હોય પરંતુ લોકો વચ્ચે તેમની હાજરી ઓછી જોવા મળી છે. દર્શના જરદોશ તેમના લોકસભા મત વિસ્તારના લોકોની સમસ્યા જાણવા અને લોકોની રજુઆત સાંભળવામાં સાવ નિષ્ફળ પુરવાર થયા છે. જ્યાં કતારગામ સહિતના વિસ્તારોમાં રહેતા રોજિંદા સફાઈ કામદારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સુરત મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની નોકરીમાં રોજિંદા સફાઈ કામદારોને તક આપવાના બદલે એજ્યુકેટેડ લોકોને રૂપિયાના જોરે બઢતી આપવામાં આવી હોવાના આરોપ કામદારોએ મુક્યા છે.
જેને લઇને રોજિંદા સફાઈ કામદારો દ્વારા અનેકોવખત રજુઆત ભાજપ સત્તાધીશોને પણ કરવામાં આવી છે. એટલું જ નહીં રોજિંદા સફાઈ કામદારોએ પોતાની રજુઆત કરવા વિશાળ રેલીઓ પણ યોજી. પરંતુ ભાજપના સત્તાધીશો દ્વારા કામદારોની રજુઆત સાંભળવામાં આવી નથી. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં રોજિંદા સફાઈ કામદારો રાત્રી અને દિવસ દરમિયાન ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આવા કામદારોને તક આપવાના બદલે રૂપિયાના જોરે ખોટી રીતે અન્ય લોકોને ભરતી આપવામાં આવી છે તેવો આરોપ કામદારોએ કર્યા છે.
રોજિંદા સફાઈ કામદારોના આરોપ છે કે, આ બાબતે વર્તમાન સાંસદ દર્શના જરદોશને બે વખત મળવાનો પ્રયત્ન પણ કર્યો. પરંતુ તેમણે પણ કામદારોની વાત સાંભળવા સુધી સમય ના મળ્યો. જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આ સાંસદને રોજિંદા કામદારો અને મતદારો આજે યાદ આવ્યાં છે. જેથી તમામ રોજિંદા સફાઈ કામદારોએ સોસાયટી બહાર જ બેનર લગાડી પોતાનો રોષ વ્યકત કર્યો છે. સુરતના કતારગામ, વેદ રોડ સહિત પ્રભુ નગર, બહુચર નગર, રહેમત નગર, સિંગણપોર જેવા વિસ્તારોમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે. જેમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, ભાજપ સત્તાધીશોએ વોટ માંગવા અહીં આવવું નહીં.
આગામી 23મીના ચૂંટણી છે, ત્યારે તમામ રોજિંદા સફાઈ કામદારો ચૂંટણીનો બહિષ્કાર કરી પોતાની શક્તિનો પરચો પણ ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારોને બતાવશે તેવી ચીમકી આપી છે.