સુરત જિલ્લાના બારડોલીમાં રવિવાર મોડી રાત્રે તલાવડી મેદાન નજીક રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવકને કારે અડફેટમાં લીધો હતો. આ કાર તાલુકા ભાજપ મહામંત્રી પરીક્ષિત દેસાઈની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વળી, કારમાંથી દારૂ પણ મળ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ પૂર ઝડપે પરિશ્રમ પાર્ક સુધી હંકારીને જવાની ઘટનામાં ટોળાએ કારનો પીછો કરતાં પરિક્ષિત દેસાઈને પકડીને ટપલીદાવ પણ કરાયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
ઘટના સંદર્ભે ભારે ઉહાપોહ થયા બાદ બારડોલી પોલીસે ભોગ બનનાર નવીનકુમારની ફરિયાદ લઈ કારચાલક સામે ગુનો નોંધ્યો છે. પરંતુ પરિક્ષિત દેસાઈ ગાયબ હોવાથી પોલીસે પ્રોહીબિશન ગુનો નોંધી લાચારી દર્શાવી છે. જો કે, કારચાલક કોણ હતું તેના કરતાં વધારે કાર પરિક્ષિત દેસાઈની હતી તે વાસ્તવિકતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. તેમજ પોલીસ રાજકીય દબાણવશ કામગીરી કરી રહી હોવાનું લોકો જણાવી રહ્યાં છે. ત્યારે હવે આ ઘટના સંદર્ભે ભાજપ પરિક્ષિત દેસાઈ સામે શિસ્ત ભંગના પગલાં લેશે કે કેમ? તે જોવું રહ્યું.