બેંકોમાં જઇ ચલણી નોટના બંડલ વચ્ચે કોરા કાગળની ગડ્ડી મૂકી છેતરપિંડી આચરતી ગેંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે. આ આરોપીઓ ચપ્પુ દેખાડી લૂંટ પણ ચલાવતા હોવાનું પાલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે, સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઇ નોટોના બંડલ વચ્ચે કોરા કાગળની થપ્પી મૂકી છુટ્ટા આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ ભેસ્તાન સ્થિત ત્રણ રસ્તા નજીક આવેલા SBI બેંક વિસ્તારમાં એક ફોર વ્હીલ કારમાં ફરી રહી છે.
માહિતીને આધારે પાંડેસરા પોલીસે વોચ ગોઠવી રેનોલ્ટ ક્વિડ કારમાં આવેલા એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર, ચાર મોબાઈલ સહિત રૂમાલમાં વિટાળેલ કોરા કાગળની થપ્પી મળી આવી હતી. એક ફોર વ્હીલ સહિત મોબાઈલ, રોકડ રકમ મળી કુલ દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કર્યો હતો.
આરોપીઓ બેંકોમાં જઈ લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાની હકીકત બહાર આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ બેંકોમાં નોટોના બંડલ કોરા કાગળની થપ્પી લઈને જતા હતા. જ્યાં બાદમાં કોઈ એક વ્યક્તિને પોતાની વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવ્યા બાદ છુટા આપવાના બહાને અથવા તો મુંબઇથી પોતાના શેઠને ત્યાંથી રૂપિયા ચોરી લાવ્યા હોવાની ખોટી વાત જણાવતા હતા. સામેવાળી વ્યક્તિને છુટા આપવાના બહાને નોટોના બંડલ વચ્ચે રહેલ કોરા કાગળવાળી થપ્પી પકડાવી બદલામાં અસલી નોટો લઈ છેતરપીંડી આચરતા હતા. આ આરાપીઓ ચપ્પુની અણીએ વ્યક્તિને ડરાવી ધમકાવી રોકડ તથા મોબાઈલની લૂંટ પણ ચલાવતા હતા.
પાંડેસરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકીનો એક દિપક ઉર્ફે ઉમાદત બૈજનાથ પાંડે કડોદરાના વલ્લભ રેસિડેન્સીનો રહેવાસી છે. જ્યારે કમલેશ ઉર્ફે રાજ શાહ સત્યનારાયણ મંગલ પ્રસાદ તિવારી લિંબાયતના ઘોડાદરા સ્થિત રામકૃષ્ણ સોસાયટીનો રહેવાસી છે. ત્રીજો આરોપી ઉમાશંકર ઉર્ફે મનોજ બંસીલાલ બિંદ વડોદરાના વૃંદાવન સોસાયટીનો રહેવાસી છે.
તમામ આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ હમણાં સુધી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતા હતા. આ પ્રમાણે તેમને 20 જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. તેવી જ રીતે સુરત સિવાય વાપી, ઉમરગામ, સેલવાસ, દમણ, મુંબઈ તેમજ દિલ્હીમાં પણ અલગ-અલગ બેન્કોમાં નોટોની ગડ્ડી બતાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
પાંડેસરા પોલીસે હાલ સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.