બનાસકાંઠા/સાંચોર: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ અને ધાનેરા બનાસમાં રહેતા દિયોદર વાસીઓ દિયોદરને જિલ્લો બનાવી ઓગડ નામ આપવા સાથે વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ હવે રાજસ્થાનના સાંચોરના લોકોનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેઓ નવા જિલ્લા થરાદ-વાવમાં સાંચોરનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.
શું છે વાયરલ વીડિયોમાં ?
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના સાંચોરના સ્થાનિકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેઓ સાંચોરને રાજસ્થાનમાંથી અલગ કરી બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવનિર્મિત થરાદ-વાવ જિલ્લામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.
સાચોરના લોકોનું કહેવું છે કે, સાંચોર જિલ્લાને નીરસ્ત કરીને જાલોર જિલ્લામાં ફરી સમાવેશ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સાંચોરથી જાલોર જવા માટે 150 કિલોમીટર જેટલું દુર પડે છે. જ્યારે સાંચોરના છેવાડના ગામોથી જાલોર 250 થી 260 કિલોમીટર જેટલું દૂર પડે છે.જેથી બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયાં બાદ નવનિર્મિત થરાદ-વાવ જિલ્લો જે સાંચોરથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલો છે. તેથી જ સાચોકના સ્થાનિકોએ ગુજરાત સરકારને વિનંતી કરતા કહ્યું છે કે, સાંચોરને રાજસ્થાનમાંથી અલગ કરીને તેને થરાદ વાવ જિલ્લામાં સામેલ કરવામાં આવે. આ અંગે સરકાર પાસે માંગ પણ કરી છે સાથે જ સરકાર અમારી માંગ સ્વીકારશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
સાંચોરના ગામલોકોની માંગ
રાજસ્થાનના સાંચોરને રાજસ્થાન સરકાર દ્વારા તાજેતરમાં જ જિલ્લા માંથી નિરસ્ત કરીને તેને ફરી જાલોર જિલ્લા સાથે જોડી દેવામાં આવ્યો છે, જેથી સાંચોરના લોકો રાજસ્થાન સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે, તેમને રાજસ્થાન સરકારને પણ વિનંતી કરી છે કે ફરી સાંચોરને જિલ્લો ઘોષિત કરવામાં આવે અને જો સાંચોરને જિલ્લો ઘોષિત કરવામાં નથી આવતો તો તેમને ગુજરાતના વિભાજન થયા બાદ નવનિર્મિત જિલ્લા થરાદ વાવમાં સામેલ કરવામાં આવે તેવી તેમણે માંગ પણ કરી છે.
ગુજરાત સરકારને રાજસ્થાનના લોકોની અપીલ
એક તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ અને ધાનેરા થરાદ વાવ નવનિર્મિત જિલ્લામાં સમાવેશ કરવાનો વિરોધ કરીને બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ દિયોદર તાલુકા વિસ્તારના લોકો દિયોદરને જીલ્લો બનાવવામાં આવે અને જિલ્લાનું નામ ઓગડ રાખવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં હવે રાજસ્થાનના સાંચોરના લોકો રાજસ્થાનમાંથી ગુજરાતમાં થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. હવે ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર બંને લોકોની માંગણીઓને લઈને કેવા નિર્ણય લે છે તે આગામી દિવસોમાં જોવું રસપ્રદ બની રહેશે.