સુરત: સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરની કથા ચાલી રહી છે. કથામાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. કલાકો પહેલાં જ તડકામાં ભાવિકો ઊમટ્યા હતા. કાર્યક્રમમાં દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો હતો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.
હોટલમાં VIP દરબાર: ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની જાણીતી હોટલમાં ઉદ્યોગકારોને મળવા માટે પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગકારોને મળવા માટેનું આયોજન સમિતિ દ્વારા પહેલાથી જ નક્કી કરી દેવાયું હતું. લિંબાયત વિસ્તારમાં દિવ્ય દરબાર અને ખાનગી હોટલની અંદર VIP દરબાર લગાડવામાં આવ્યો છે. ખાટું શ્યામ મંદિરની અંદર જે ભક્તો રાહ જોતા રહ્યા કલાકો સુધી તેમને મળવાનું મુનાશીબ ન માન્યું અને લાખો રૂપિયાના દર્શનાર્થીઓને મળવા માટે પહોંચી ગયા હતા.
ભાજપના ધારાસભ્યના ઘરે પહોંચ્યા બાબા: બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે બાબા પહોંચ્યા. બાબા બાગેશ્વરે સંગીતા પાટીલના ઘરે ચા પીધી. તો પરિવારજનોએ ફૂલ-હાર, તિલકથી બાબાનું સ્વાગત કર્યું. બાબાએ ઘરમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા. બાબા બાગેશ્વરે હજારો ભક્તોને દર્શન આપ્યા. આ સમયે સંગીતા પાટીલના ઘર અને આસપાસમાં ઉપસ્થિત હજારો ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા. તો બાબાએ સુરતથી હિંદુ રાષ્ટ્રનું અભિયાન વધુ વેગવાન બન્યાનું આહવાન કર્યું.
ખાટુશ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ: બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.