- ચલથાણમાં રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા
- રેલવે ફાટક ક્રોસ કરતી વખતે બની ઘટના
- બન્નેના સ્થળ પર મોત થતાં શોકનો માહોલ
સુરત: પલસાણા તાલુકાના ચલથાણ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગામ જઇ રહેલા મહારાષ્ટ્રનું દંપતી ચલથાણ ફાટક પાસે રેલ્વે ફાટક ક્રોસ કરી રહ્યું હતું, ત્યારે એક ટ્રેનની અડફેટમાં આવી જતાં બન્નેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
આ પણ વાંચોઃ વિસનગર વિજાપુર હાઇવે પર પોલીસની ગાડીએ સર્જ્યો અકસ્માત
લગ્ન આટોપી ઘરે જવા માટે નીકળ્યા ત્યારે બની ઘટના
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના માંડવીઆબા સિંગડે ગામે રહેતા રુસ્તમભાઈ રામભાઈ પાડવી (ઉં.વર્ષ 75) પત્ની નિમુનતાબાઇ અને બીજા સગા-સંબંધીઓ સાથે ચલથાણ હલપતિવાસ ખાતે રહેતા તેમના સંબંધી સેગાભાઈની છોકરીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જે લગ્ન પ્રસંગ આટોપી આજે શનિવારે સવારે પોતાના ગામ પરત જવા માટે ચલથાણ સ્ટેશન જવા નીકળ્યા હતા, ત્યારે ફાટક ઓળંગતી વખતે હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ દંપતી આવી જતા બન્નેનું એક સાથે સ્થળ પર જ મોત થયું હતું.
આ પણ વાંચોઃ ધ્રોલમાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, બેના મોત
લગ્નની ખુશી ગમગીનીમાં ફેરવાઇ
ઘટનાની જાણ થતાં જ ચલથાણ હળપતિવાસમાં રહેતા તેમના સગા સબંધીઓ દોડી આવ્યા હતા. થોડા સમય પહેલા જ દીકરીના લગ્નના કારણે સર્જાયેલો ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાય ગયો હતો. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.