ભાવનગર: જિલ્લામાં તળાજા પંથકમાં તળાજા પોલીસે મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે વાહનો જપ્ત કરી લીધા છે. તળાજા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ધોરણસરનો ગુનો નોંધીને બાયોડીઝલ જેવું જ્વલનશીલ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્યાંથી ઝડપાયો બાયોડીઝલ જેવો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જાણો.
જાહેરમાં ચાલતો વેપલો ઝડપાયો: તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તળાજા પોલીસને મળેલી બાતમીને આધારે મહુવા ચોકડી પાસે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ સામે એક બોલેરો પીકઅપમાંથી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ગેરકાયદેસર ડીઝલ જેવો મળતો ભળતો જથ્થો કોઈ ફાયરના સાધનો વગર રાખીને વેચાણ કરી ભરી આપતા હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે સ્થળ પર જ રેડ કરીને બોલેરો પીકઅપ અને ભૂમિ ટ્રાવેલ્સ લક્ઝરી બસ સાથે 4 શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તળાજા પોલીસે જપ્ત કર્યો મુદ્દામાલ: તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, મહુવા ચોકડી પાસે ઉભેલા બોલેરો પીકઅપ GJ 14X 8203 માં ચોરસ ટાંકો બનાવેલો હતો. જેમાં બાયોડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. આ ટાંકામાં 2200 લીટર બાયોડીઝલ જેવું પ્રવાહી હોવાથી પોલીસે બોલેરો પીકપ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, આ સાથે ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પણ તપાસ અર્થે કબ્જે કરી હતી. બોલેરો પીકઅપમાં 2200 લીટર બાયોડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહીનો 1.60 લાખનો જથ્થો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. બોલેરો પિકઅપ જ્વલનશીલ પ્રવાહી સાથે જપ્ત કરવામાં આવ્યું હતું.
4 શખ્સો સામે પોલીસ ફરિયાદ: તળાજા પોલીસે બીએનએસની કલમ 287, 125 મુજબ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાં બોલેરોના ડ્રાઇવર કેતન પ્રવીણભાઈ ભીલ ગામ સાંકડાસર 1, ક્લિનર અમીરખાન અનવરખાન પઠાણ તળાજા, તેમજ વધુ 2 શખ્સ જે ભૂમિ ટ્રાવેલ્સ લક્ઝરી બસના ડ્રાઇવર આદમઅલી કાળવાતર અને તેના ક્લીનર દિલાવર આમન ગાહા વિરુદ્ધ મુદ્દામાલ કબ્જે કર્યા બાદ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: