સુરત જિલ્લાના કડોદરામાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા રમેશ નાયકના પુત્ર પાર્થના લગ્ન પ્રસંગે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાયિકા તરીકે કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતા રબારીને બોલાવવમાં આવી હતી.ડાયરાની શરૂઆત દેશભક્તિના ગીતો થી કરવામાં આવી હતી.જેમ જેમ ગીતા રબારીએ ભજનની રમઝટ બોલાવવાનું શરૂ કર્યું તેમ તેમ ઉપસ્થિત જનમેદનીએ નોટો ઉડાડવાનું શરૂ કર્યું હતું. તો રૂપિયાની સાથે અમેરિકન ડોલરનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.
વરરાજા પાર્થ નાયકે જણાવ્યું કે તેની નાનપણ થી જ સેનામાં જવાની ઈચ્છા હતી. પરંતુ કોઈક કારણસર સેનમાં જઇ ના શક્યો. જયારે તેના લગ્ન નક્કી થયા ત્યારે જ તેણે મન બનાવી લીધું હતું કે લગ્ન પ્રસંગે દેશના વિરલાઓ માટે કઈ કરવું જોઈએ. ત્યારબાદ તેના પિતાને વાત કરી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
તો આ અંગે વધુ રિદ્ધિ દેસાઈએ જણાવ્યું હતું કે હું બહુ નસીબદાર છું કે પાર્થ જેવા પતિ મળ્યા છે કે જે દેશભક્તિ માટે આટલા ઉચ્ચ વિચારો ધરાવે છે. આ ડાયરામાં જે રકમ આવશે તે તમામ શહીદોના પરિવારોને મોકલી આપવામાં આવશે.કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી અંદાજે 7 લાખ રૂપિયા એકત્રિત થયા હતા.