સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયેલા કોરોના દર્દીના પરિજન પાસેથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના સિવિલ હોસ્પિટલ દ્વારા 30 હજારથી વધુની રકમ વસુલવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે કલ્યાણ રોગી સમિતિ નવી સિવિલ હોસ્પિટલ નામથી એક પહોંચ પણ આપવામાં આવી છે. દર્દીના પરિજનનો આરોપ છે કે, જો સરકારી હોસ્પિટલ તરફથી કોરોના દર્દીનો તમામ ખર્ચ નિઃશુલ્કપણે કરવામાં આવે છે, તો ઇન્જેક્શનના નામે લેવામાં આવેલા રૂપિયા ક્યાં કારણોસર વસુલવામાં આવ્યા છે, આ અંગે તપાસ કરવામાં આવવી જોઈએ.
વરાછા વિસ્તારમાં રહેતા વંદન ભાદાની નામના યુવકે જણાવ્યું હતું કે, પોતાની દાદીને 12 જુલાઈના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ત્યાં સારવાર પણ આપવામાં આવી હતી. જે બાદમાં હોસ્પિટલ દ્વારા તબિયત સારી છે. તેમ જણાવી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તબિયત વધુ લથડતા ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત ગંભીર થતા અડાજણ સ્થિત બાપ્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
જ્યાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની જરૂરિયાત ઉભી થતા જિલ્લા કલેકટર કચેરી તરફથી પરમિશન લેટર મેળવી નવી સિવિલ હોસ્પિટલ પાસેથી ઇન્જેક્શન મેળવવામાં આવ્યું, પરંતુ હોસ્પિટલ તરફથી કલ્યાણ રોગી સમિતિ નવી સિવિલ હોસ્પિટલના નામે પહોંચ આપી 30,870 રૂપિયા વસુલવામાં આવ્યા હતા.
જ્યાં રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે કોરોના દર્દીઓની સારવારની વાત કરી રહી છે, ત્યાં નવી સિવિલ હોસ્પિટલ તરફથી જ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયેલા દર્દીના પરિજનો પાસેથી ઇન્જેક્શનના રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
આ અંગે દર્દીના પરિજનોએ સુરત મેયર જગદીશ પટેલને પણ રજૂવાત કરી હતી. ખાનગી હોસ્પિટલમાં ગયા પછી ખર્ચ તમારે જાતે ભોગવવાનો રહે છે, જે પ્રકારનું નિવેદન મેયર દ્વારા આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ વંદન ભાદાનીએ કર્યો હતો. જ્યાં પરિવારના સભ્યો આ અંગે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના વિવાદ સંબંધિત અહેવાલો
કોરોના મહામારીમાંથી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. Remdisivir અને Tocilizumab Injectionના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
23 જુલાઈ - સુરતમાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવર ઇન્જેક્શનના કાળા બજારનો ફરી પર્દાફાશ થયો
સુરતના જાગૃત યુવકે ફોન પર સંપર્ક કરી ટોસિલિઝુમાબ ઇન્જેક્શન મંગાવ્યા હતા. સ્ટોકમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન હોવાથી રેમડેસિવર ઇન્જેક્શન આપવાની સામે વ્યક્તિએ તૈયારી દર્શાવી હતી. ઇન્જેક્શનનો ઓર્ડર લીધા બાદ ડીલેવરી લેવા સુરતના કતારગામમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે યુવકને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોઠવેલી ટ્રેક પ્રમાણે ઇન્જેક્શનની ડીલેવરી આપવા આવેલા 18થી 20 વર્ષના યુવકને ત્રણ ઇન્જેકશન સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલ યુવક સિપ્લા કંપનીમાં ફરજ બજાવતા સંદીપ માથુકિયાનો નાનો ભાઈ હોવાનું બહાર આવ્યું હતુ.
19 જુલાઈ - અમદાવાદ: નકલી ઈન્જેક્શન કૌભાંડનો મામલો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કૌભાંડ સામે કડક કાર્યવાહી
કોરોના વાઇરસની મહામારી દેશને વિશ્વમાં વ્યાપી રહી છે, ત્યારે કોરોના દર્દીની સારવારમાં કારગત નિવડેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કૌભાંડ બાદ હરકતમાં આવેલી સરકારે આરોપીઓની અટકાયત કરી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મુખ્ય કમિશ્નર એચ.જી. કોશિયાએ પત્રકાર પરિષદ યોજી ઈન્જેક્શન તેમજ કૌભાંડ મુદ્દે સ્પષ્ટતા કરી જણાવ્યું કે, સરકાર નાગરિકોને આ દવા આપવા માટે કટિબદ્ધ છે. અત્યાર સુધીમાં 6400 ઈન્જેક્શન આપવામાં આવ્યા છે, તો બીજી તરફ નકલી ઈન્જેક્શન બનાવનારા સાહેલ સહિત તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
18 જુલાઈ - સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું મસમોટુ કૌભાંડ ઝડપાયું
ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 400 મિ.ગ્રાના બનાવટી જથ્થાના વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરિયલ મળી આવ્યુ છે. જેથી વિભાગે ઘરની અંદરથી મીની મશીન સાથે રૂપિયા 8 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.