વિષ્ણુ ભગવાનનો મોહિની અવતાર સમુદ્રમંથન જોડે સંકળાયેલો છે. આ મૂર્તિ 150 વર્ષ જૂની છે છતાં એ જ સ્વરૂપે આજે પણ હયાત છે. મોહિનીનો અર્થ જાતીય વૃત્તિઓની જગાડનાર, સારું કે ખરાબ વિચારવાની શક્તિનો નાશ કરનાર એવો થાય છે.
ધાર્મિક સ્થળો માટે તમામ ધર્મસંપ્રદાયના શ્રદ્ધાળુઓ માટે પવિત્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા અશ્વિનીકુમાર વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. સ્વામી આત્માનંદ સરસ્વતીના ભારતભરમાં કુલ આઠ મઠ પૈકી એક મઠ અશ્વિનીકુમારના વૈદરાજ મહાદેવ મંદિરની નજીક આવ્યો છે. મઠના મધ્યભાગમાં ગોપાલ સુંદરીનું મંદિર છે જેમાં ભગવાન વિષ્ણુની મોહિની સ્વરૂપની મૂર્તિ છે. સમગ્ર ભારતમાં આવી બે જ મૂર્તિઓ છે જેમાંથી એક વારાણસીમાં છે અને બીજી સુરતના આ મંદિરમાં છે. ગોપાલસુંદરી મઠની આ મૂર્તિ 150 વર્ષ જૂની છે છતાં પણ અત્યંત રળિયામણી છે. આ મૂર્તિની કસોટી નામના અત્યંત કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવી છે. કસોટી પથ્થર કાળા રંગનો હોય છે અને ખાસ કરીને સૌનું પારખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સોના સહિત અલગ અલગ ધાતુ ચકાસવા માટે આ પથ્થર પર ઘસવામાં આવે છે. આજે પણ જ્યારે ગ્રામીણ વિભાગમાં કોઈને પણ સાપ કરડે ત્યારે કસોટી પથ્થર ઘસીને સાપના ઝેરનું મારણ કરવામાં આવે છે.
વિષ્ણુભગવાનના આ રૂપ પાછળની જે ધાર્મિક એ પ્રમાણે છે કે, પરાપૂર્વથી ચાલતી આવતી ધાર્મિક કથા અનુસાર સમસ્ત જગતમાં દેવો અને દાનવો પૈકી કોનું વર્ચસ્વ યથાવત્ રહેશે. તે બાબતનો એકમાત્ર ઉકેલ સમુદ્ર મંથન હતો, તે સમયે મંડરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને દોરડાં તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. પર્વતને આધાર આપવા માટે વિષ્ણુ ભગવાને કશ્યપનો અવતાર ધારણ કર્યો અને સમુદ્રમંથન રચાયું. દેવોએ વાસુકી નાગનો પૂચ્છનો ભાગ અને દાનવોએ નાગનો મુખનો ભાગ પસંદ કર્યો હતો.
સમુદ્ર મંથનમાં એક પછી એક એમ ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા. જેમાં ચૌદમું રત્ન અમૃતને લઈને જ્યારે ધનવંતરી સમુદ્ર બહાર નીકળે છે. ત્યારે દૈત્યો તેમના હાથમાંથી કળશ ઝૂટવી લે છે. એ પરિસ્થિતિમાં વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કરી ભૂલમાં નાંખી અમૃતનો કળશ લઈ લે છે અને દેવોને અમૃતનું પાન કરાવતા હોય છે. તે સમયે વિષ્ણુ ભગવાન દ્વારા કરવામાં આવેલી ચાલાકીની રાહુ કેતુને ખબર પડી જાય છે અને તેઓ કપટ દ્વારા દેવોની હરોળમાં બેસી જાય છે. ભગવાન વિષ્ણુએ આ બાબતની જાણ થતાં જ તેમણે સુદર્શન ચક્ર વડે રાહુ અને કેતુનો શિરચ્છેદ કરી નાંખે છે. પરંતુ તેમના અડધા શરીરમાં અમૃત પહોંચવાને કારણે તેઓ અર્ધમાનવ અને અર્ધસર્પ તરીકે છે.અમૃતના કળશની રસાકસીમાં અમૃતના થોડાંક ટીપા ઉજ્જૈન,નાસિક, પ્રયાગ અને હરિદ્વારમાં પડ્યા હોવાને કારણે કુંભ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. શાસ્ત્રીય નૃત્ય મોહિનીઅટ્ટમ આજ મોહિની સ્વરૂપ પર આધારિત છે.
મંદિરના મહારાજ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, સ્વામી આત્મનંદ જ્યારે 150 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા. ત્યારે તેમણે તપ કરીને આ મૂર્તિની સ્થાપના અહીં કરી હતી.