સુરતઃ સમાજમાં અમુક વ્યક્તિ એવા કામ કરે છે જે સમગ્ર સમુદાય માટે લાભદાયી નીવડે છે. આવું જ એક ઉદાહરણ છે સુરતના દક્ષા પટેલ. દક્ષા પટેલે એઈડ્સ જેવા રોગ સામે બાથ ભીડી છે. પોતે એઈડ્સ પોઝિટિવ હોવાથી એઈડ્સના દર્દીઓની પીડાને સારી રીતે સમજે છે. તેમણે અનેક પડકારોનો સામનો કરીને એઈડ્સના દર્દી માટે મફત સરકારી સારવાર અને દવાઓ શરુ કરાવી છે.
પ્રેરણાઃ દક્ષા પટેલ પોતે એચઆઈવી પોઝિટિવ છું. તેમની દવાનો ખર્ચ દર મહિને 25000 રુપિયા આવતો હતો. તેમનો ઈલાજ પણ ગુજરાતમાં થતો નહતો તેમણે ઈલાજ માટે મુંબઈ જવું પડતું હતું. તેમને આટલી તકલીફ પડતી હતી ત્યારે અન્ય દર્દીઓની સ્થિતિ શું હશે, તે જાણવા તેમને પ્રયત્નો કર્યા. તેઓ અનેક એઈડ્સના દર્દીઓના સંપર્કમાં આવ્યા. જેમાંથી કેટલાકનો પરિવાર સમાજે બહિષ્કાર કર્યો હતો. મોંઘો ઈલાજ હોવાથી કેટલાકે ઈલાજ જ બંધ કરી દીધો હતો. આ દર્દીઓ માટે દક્ષા પટેલને કંઈક કરવું હતું. આ દર્દીઓ માત્ર એઈડ્સના દર્દીઓના આંકડા નથી પરંતુ માનવીઓ છે તેમ ગણીને દક્ષા પટેલે આ દર્દીઓ માટે લડત લડવાનું નક્કી કરી લીધું અને પછી શરુ થયો કપરો સંઘર્ષ.
અનેક પડકારોઃ સૌથી પહેલા તો દક્ષા પટેલે સરકારને ઢંઢોળી. સરકાર તરફથી સહાય અને દવાઓ મળી રહે તે માટે કવાયત હાથ ધરી. સરકારે શરુઆતમાં કોઈ રિસ્પોન્સ જ ન આપ્યો. જો કે દક્ષા પટેલ મક્કમ રહ્યા. તેમણે 'ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ એચ.આઈ.વી. એઈડ્સ' નામક સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા એઈડ્સના દર્દીઓ માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા એઈડ્સના દર્દીઓ માટે લગ્ન પસંદગી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. તેમણે સરકારમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા અને તેમની પીડા રજૂ કરી. તેમણે સરકારના ધ્યાને આ માંગણી આવે તે માટે અનેક કાર્યક્રમો યોજ્યા. તેમને અને તેમના સાથીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આશરે 500થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે. આ પત્રો સરકારી ફાઈલોમાં અટવાવા લાગ્યા તેમ છતાં દક્ષા પટેલ હિંમત હાર્યા નહીં. તેમણે સરકારમાં રજૂઆતો અને દર્દીઓની પીડા પહોંચાડવાનું ચાલુ રાખ્યું.
સરકાર માની ગઈઃ દક્ષા પટેલની સતત રજૂઆતો અને મક્કમ મનોબળને લીધે સરકારે એઈડ્સના દર્દીઓ માટે સહાય શરુ કરી. ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એઈડ્સની મફત સારવાર અને દવા મળતી થઈ. ત્યારબાદ ક્રમશઃ સુરત અને અને અન્ય શહેરોમાં પણ આ સહાય શરુ થઈ. જો કે દક્ષા પટેલ આટલેથી અટક્યા નહીં. તેમણે એઈડ્સના દર્દીઓને ભાડુ પણ સરકાર માફ કરે તેવી માંગણી કરી. જે સરકારે સ્વીકારી લીધું. આજે એઈડ્સના દર્દીઓને સારવાર, દવા અને ટ્રાન્સપોર્ટેશન ફ્રી મળી રહ્યા છે જે દક્ષા પટેલની મહેનતનું ફળ છે.
મહિનાના 25 હજારના ખર્ચને કારણે એઈડ્સના દર્દીઓની દવા અટકી જાય એ કેમ ચાલે? હું અને મારા સાથીઓ પત્ર લખવાનું શરૂ કર્યું. પાંચસોથી વધુ કાગળો લખ્યા ત્યારે જવાબ આવ્યા કે કેન્દ્ર સરકારમાંથી મંજૂરી મળતી નથી. મેં કાગળો લખવાનું છોડ્યું નહીં. ગુજરાતનાં દર્દીઓનાં આંકડા મોકલ્યા અને પૈસાને કારણે ટ્રીટમેન્ટ ન કરાવી શકનાર દર્દીની પીડા રજૂ કરી. 2 વર્ષ લડત ચાલી. આખરે સરકારની પરવાનગી બાદ ગુજરાતમાં સૌથી પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દવા મફત મળતી થઈ. એ પછી સુરતમાં પણ મફત દવા મળવા લાગી. એ પછી મેં ફરી ડિમાન્ડ કરી કે જે દર્દી દવા લેવા આવે એમને ભાડું પણ આપવામાં આવે.જેને સરકારે મંજૂરી આપી. આજે ગુજરાતમાં એઇડ્ઝની દવા મફત મળી રહી છે એનો મને આનંદ છે...દક્ષા પટેલ(એઈડ્સ વિરુદ્ધ લડત લડનાર, સુરત)