છોટા ઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી-નસવાડી નેશનલ હાઇવે નંબર 56 પર પાણેજ ગામ પાસે ઇકો કારે ટુ-વ્હીલરને ટક્કર મારતાં, બાઈક પર સવાર જમાઈ અને સાસુના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતાં, જ્યારે સસરાને ઇજા થતા બોડેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈકો કારે ટક્કર મારતા અકસ્માત
વિગતો મુજબ, છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના લાલપુરના રહેવાસી કલજીભાઈ નાયકા તથા તેમની પત્ની સવિતાબેન નાયકા પોતાની જમાઈ સુરેશભાઈ નાયકા સાથે બાઈક ઉપર બેસીને જમાઈના ઘરે બોડેલી તાલુકાના વડદલા ગામે જતાં હતા. ત્યારે સાંજના લગભગ 5 વાગ્યાના અરસામાં પાણેજ પાસે પહોંચતા સામેથી આવતી એક ઇકો ગાડીએ બાઈકને ટક્કર મારતાં બાઈક ઉપર સવાર ત્રણે જણા હવામાં ફંગોળાઈ ગયા હતા.
સાસુ અને જમાઈનું સ્થળ પર જ મોત
જેમાં જમાઈ સુરેશભાઈ નાયકા તથા સાસુ સવિતાબેન કલજીભાઈ નાયકા હવામાં ફંગોળાયા બાદ રસ્તા પર પટકાતા માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં બન્નેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે સસરા કલજીભાઈ જેઠાભાઈ નાયકાને પગના ભાગે તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચતા બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરીને રજા આપી દેવામાં આવી છે.
આ અકસ્માત અંગે બોડેલી પ્રાંતના એ.એસ.પી ગૌરવ અગ્રવાલે ETV Bharat સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનની ઘટનાનો બનાવ બનતા બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત કરનાર ઇકો કારની હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ વડે ઇકો કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે, અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: