અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશનમાં પૈસા માટે એક પતિએ પોતાની પત્નીના શરીરનો સોદો કરી નાખ્યો હોવાની હકીકત સામે આવી છે. પતિએ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો. નિષ્ઠુર બનેલા આરોપીએ તેની 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા અને દાગીના પડાવ્યા હતા. જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીને દેહવેપારમાં ધકેલવા મજબૂર કરી: નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા, દારૂના રવાડે ચડેલ વિશાલ ભાવસાર નામના યુવકે મૂળ યુપીની અને થોડા વર્ષોથી મુંબઈ ખાતે રહેતી યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. 2 વર્ષ સાથે લિવ ઈનમાં રાખી જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેની સાથે 2020માં રજિસ્ટર મેરેજ કર્યા. જોકે સટ્ટામાં આર્થિક નુકશાન જતા આરોપીએ તેની પત્નીને દેહ વેપારમાં ધકેલવા મજબૂર કરી હતી. જે માટે આરોપી વિશાલે તેના પુરુષ મિત્રોનો ઉપયોગ પણ કર્યો હતો. આરોપીની મહિલા મિત્રોએ પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી હતી.
પત્નીના મોર્ફ કરેલા ફોટા કર્યા વાયરલ: પત્નીએ અન્ય પુરુષો જોડે સંબંધ રાખવાની ના પાડતી તો નરાધમ પતિએ પત્નીના મોર્ફ કરેલા ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. અને તેની 2 વર્ષની દીકરી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. છેલ્લા બે વર્ષથી અનૈતિક દેહ વેપારના ધંધાથી કંટાળીને આખરે મહિલાએ તેના પતિ અને પતિના મિત્રો વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
" મારા પતિએ અન્ય એક યુવતી સાથે લગ્ન કર્યા છે એ અંગે મને ગઇ કાલે જાણ થઈ છે, છેલ્લા 2 વર્ષથી મારો પતિ મને અન્ય લોકો સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો." - ભોગ બનનાર યુવતી
આરોપી પહેલેથી પરણિત: પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ વિશાલ નામનો આરોપી પહેલાથી લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેની નિકટતા વધી અને 2018થી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના થકી ફરિયાદી મહિલા ગર્ભવતી બની. જેથી ફરિયાદી મહિલાના આગ્રહના કારણે 2021માં બંનેના લગ્ન થયા. મોટી વાત એ છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલ લગ્ન અંગે વાકેફ ન હતી.
" હાલ મહિલાની ફરિયાદ નોંધી તેના પતિની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે." - એસ.જે ભાટિયા, નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ
આરોપીની ધરપકડ: સટ્ટા અને જુગારના રવાડે ચડેલ પતિ પૈસા ગુમાવતો ગયો, જે બાદ ઉંધા રવાડે ચડેલ પતિ તેની પત્નીનો સોદો કરવાની શરુઆત કરી. જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકીને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે.