સુરતઃ ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલા પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે અને રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.
કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે કે, પાલિકાના આરોગ્ય વિભાગના ઓર્ગેનિક પ્લાન્ટના નામે મહિને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. શાકભાજી વેસ્ટને કંપોઝ કરી ખાતર બનાવવા માટે ઝોનમાં આશરે 40 લાખનો 1 ટીપીડી ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવેલો છે. જેમાં કૌભાંડ કરવામાં આવતું હોવાના આરોપ છે. આંજણા ખાતેનો ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.
જ્યાં પ્લાન્ટ પર માટીના થર પણ જામી ગયેલા છે. પ્લાન્ટમાં એક કિલોગ્રામ ખાતર પણ બનાવવામાં આવ્યુ નથી. હાલમાં પ્લાન્ટની સ્થળ તપાસની માંગ ઉઠી છે. પ્લાન્ટ બંધ હોવા છતાં ઓપરેટર ઈજારદારને પ્રતિદિવસ 3000 રુપિયાથી વધુના રોજ પ્રમાણે મહિને 1 લાખ કરતા વધુના બીલ પાસ કરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન રજીસ્ટરમાં દર્શાવી પ્રજાની તિજોરીમાંથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ભાજપ શાસકોના રાજમાં આ કૌભાંડ થઈ રહ્યો હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી સુધા હલી નથી રહ્યું. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનિધિ પાનીને રજુઆત કરવામાં આવી છે. જેની તપાસ થવી જરૂરી બને છે.