સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરાતા સામાન્યથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોક ડાઉનમાંથી માંડ-માંડ બહાર આવેલા લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા પછી પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આવી પરિસ્થિતિમાં લોકોને પડતી હાલાકી સામે લોકોના પ્રશ્નોને વાંચા આપવા સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. એટલું જ નહીં ક્રૂડના ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં સરકાર ભાવમાં ઘટાડો નથી કરી રહી તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા. જો આગામી દિવસોમાં ભાવ ધટાડો નહીં કરાયા તો જનતાના હિતમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ દ્વારા પણ વિરોધ નોધાવ્યો હતો. ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા સુરત ટ્રાફિક ડીસીપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી હાલ ટ્રાફિકના દંડ ઉઘરાવવાની કામગીરી પર રોક નહીં લગાવવામાં આવે તો આગામી દિવસમાં આમ આદમી પાર્ટી પ્રજાને સાથે લઈ સંઘર્ષમાં પણ ઉતરશે તેવી ચીમકી આપી હતી.