સુરત: માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં બોર કરાવવા માટે ખોદેલ પાણી ભરેલા ખાડામાં અઢી વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. ખાડામાં ભરેલા પાણીને કારણે ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ લાંબા સમયથી ખાડો ન ભરનાર અને બાળકનો ભોગ લેનાર મકાન માલિક સામે કાર્યવાહીની માંગ કરી હતી. કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરિયાદ નોંધી હતી.
બોર માટે ખોદ્યો હતો ખાડો: પીપોદરા ગામની સીમમાં આવેલ વિશ્વકર્મા ગલીમાં જય યોગેશ્વર રો હાઉસની સામેના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં રહેતા મકાન માલિક દ્વારા પોતાના ઘરની બહાર બોર કરવા માટે ખાડો ખોદ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ખુલ્લો જ હતો. જેને લઇને આજુબાજુ વિસ્તારના લોકો ખાડો પુરવા માટે વારંવાર મકાન માલિકને કહેતા હોવા છતાં મકાન માલિકે ધ્યાન આપ્યું ન હતું.
ખાડામાં પડી જતાં બાળકનું મોત: તારીખ 9 ઓગસ્ટના રોજ બપોરે 4.15થી 4.30 વાગ્યા દરમિયાન યોગેશ્વર રો હાઉસમાં રહેતા શૈલેન્દ્ર મહંતોનો અઢી પુત્ર શૌર્ય રમતો હતો. તે રમતાં રમતાં આ પાણીના ખાડામાં પડી ગયો હતો. ખાડામાં પાણી હોવાથી તેનું ડૂબીને મોત નીપજ્યું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો ગયો હતો. અનેક રજૂઆત બાદ પણ ખાડાને સમયસર ન પુરનાર મકાન માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત પોલીસ સામે કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તપાસ શરૂ: સમગ્ર બનેલી ઘટનાને લઈને કોસંબા પોલીસ મથકના જમાદાર પાતાભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકનું મોત થયા હોવાનું જાણવા મળતા બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તજવીજ શરૂ છે.