સુરત: આજે આખો દેશ સ્વતંત્રતાનો 74મો પર્વ ઉજવી રહ્યો છે, ભારે વરસાદ વચ્ચે સુરત જિલ્લાનો સ્વતંત્રતા પર્વ અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં વરસાદ વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરી પોલીસ જવાનોએ પરેડ કરી હતી. તેમજ વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને તમામે સલામી આપી હતી. આ સાથે જિલ્લાના સર્વશ્રેષ્ઠ કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વસાવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો છે, તેમ છતાં આપણે બધાં કોરોના સામે લડી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટનસિંગ સાથે આપણે એકત્ર થયા છીએ. રાજ્યભરના પ્રત્યેક પરિવાર દ્વારા સ્વતંત્રતા પર્વ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે, ત્યારથી દેશભરમાં વિકાસ બમણો થયો છે. 500 વર્ષ જૂના રામ ભૂમિનો ઉકેલ આવી ગયો છે. જેને દસ દિવસ થઈ ગયા છે. જેને લઈ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ 370 કલમ નાબૂદ કરી હિંમતભર્યા પગલાં લીધા છે. જેના કારણે અખંડ ભારતનું સપનું લોકો જોઈ રહ્યાં છે.
વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના નિર્ણયને આખા વિશ્વએ બિરદાવ્યો છે. કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના પેકેજથી લોકોને રાહત મળી છે. ગુજરાતની પ્રજાએ હમેશા આપદાને અવસરમાં બદલ્યો છે. કોરોના સામેની લડાઈ લાંબી ચાલશે. સરકારના તમામ નિર્ણયો સાથે પ્રજા રહી છે. ગુજરાત સરકારના કોરોના મહામારી માટે લેવાયેલો નિર્ણય WHO સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ એ પણ બિરદાવ્યો છે.
વસાવાએ જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રે ઉદ્યોગ હોય કે, કૃષિ ગુજરાત હંમેશા આગળ આવ્યું છે. સર્વે મુજબ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ગુજરાતમાં થાય છે. આ સરકાર વંચિતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. આઇઆઇએમના સર્વે મુજબ કોવિડ 19 અંગે લેવાયેલા નિર્ણયમાં રાજ્યના 80 ટકા પ્રજા સરકારથી ખુશ છે.