ઓલપાડના મણિભાઈ લાડને તેમના પૂર્વજોએ જન્મથી જ માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કળા ભેટ સ્વરૂપે આપી છે. મણીભાઈ 14 વર્ષની ઉંમરથી વિભિન્ન પ્રકારના માટીના કોડીયા બનાવે છે. એક દિવસમાં તેઓ 300થી વધુ કોડિયા બનાવતા હોય છે. વળી, આ કોડિયાનું વેચાણ ન કરી તેમણે વર્ષો જૂની ભારતીય પરંપરાને જાળવી રાખી છે. એટલે કે કોડીયાના બદલે નાણાં નહી પરંતુ અનાજ, દિવેલ જેવી વસ્તુઓ સ્વીકારે છે. આસપાસના ગ્રામજનો હજુએ મણિભાઈના કોડીયાથી જ દીવડા પ્રગટાવી દિવાળીના પર્વની ઉજવણી કરે છે.
દિવાળીની આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં પારડી ગામના 74 વર્ષીય મણિભાઈ સફળ રહ્યા છે. આજે પણ તેઓ લોકોને દિવડા ઝગમગાવી દિવાળીના પર્વને વધાવવા આગ્રહ કરે છે. બીજીતરફ કોડિયા બનાવવાની કળા ખૂબ કપરી છે, પોતાના સમાજના નવયુવાનો આ કળાથી દૂર થતા હોવાથી તેઓ ખૂબ જ દુઃખી છે. મણિભાઈનું કહેવુ છે કે યુવાનોને કળામાં કોઈ રસ નથી રહ્યો અને માટીના વાસણ બનાવતા વ્યક્તિને કોઈ કન્યા ન આપતુ હોવાથી આ કળા લુપ્ત થઈ રહી છે.