સુરત: સુરતના કામરેજ તાલુકાના અબ્રામા ગામે સિલવાસા પેરેડાઈઝ એપાર્ટમેન્ટના 14માં માળેથી પડતું મૂકીને 72 વર્ષીય એક આધેડે જીવન ટુંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતકનું નામ લાલજીભાઈ ભવાનભાઈ ગજેરા છે અને તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં રહે છે. ગઈકાલે તેઓ કોઈને કહ્યાં વગર પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને અબ્રામા ગામે આવી અહીંની 14 માળની સિલવાસા પેરેડાઇઝ એપારમેન્ટના ટેરેસ પર ચડી ગયા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી.
આધેડે લગાવી મોતની છલાંગ: સુરત જિલ્લામાં સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવતા હવે સમાજચિંતકો માટે પણ ચિંતાનું કારણ બનતું જાય છે. ત્યારે 72 વર્ષના આધેડનું આ રીતે ઢળતી ઉંમરે જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. બીજી તરફ આ મામલે મૃતક લાલજીભાી ગજેરાના દિકરા નીતિનભાઈ ગજેરાએ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધે માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે
કામરેજ પોલીસ મથકના જમાદાર પ્રકાશ ભાઈએ જણાવ્યું હતું કે, વૃદ્ધના આપઘાતના બનાવ સંદર્ભે તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલીને આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.