સુરતના ખટોદરા સ્થિત ભરથાણા ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજ એન્ડ સ્કૂલમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરોએ પગપેસારો કર્યો હતો. ઓફિસમાં ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 50 લાખની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણકારી મળતા ખટોદરા પોલીસ SOG અને PCB તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફુટેજમાં ત્રણ ચડ્ડી ધારી ચોરો કેદ થયા છે. જે CCTV ફૂટેજના આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે. લાખોની ચોરીની આ ઘટનામાં કોઇ જાણભેદુ હોવાની પણ શંકાના આધારે પોલીસ દ્વારા કોલેજ અને શાળાના તમામ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે.