સુરત : શહેરમાં 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગવિયર ગામના પટેલ ફળિયામાં રહેતી 22 વર્ષીય યુવતીએ ગઈકાલે રાતે પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ વાત બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ડુમસ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવતીનો મૃતદેહ નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
યુવતીએ જીવન ટુંકાવ્યું : આ બાબતે મૃતક પરણિતાના ભાઈ નીરવે જણાવ્યું હતું કે, મારી બહેને એક વર્ષ પહેલા ગવિયર ગામના કિશોર પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ ગઈકાલના રોજ મારી બહેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કારણે મારી બહેનને તેના સાસરિયાઓ દ્વારા ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હું સરકારને નિવેદન કરું છું કે, એવો એક કાયદો લાવો કે પ્રેમ લગ્ન માટે ફરજિયાત પરિવારની મંજુરી રહેવી જરૂરી છે. જેથી આવો કિસ્સો અન્ય કોઈ માતા-પિતા સાથે બને નહીં.
આજે સમાજમાં એવું બંને છે કે આપણે પ્રેમ લગ્ન કરીશું ત્યારબાદ માતા પિતા અમને સ્વીકારી લેશે. મારી બહેનના ઘરે તેમના સાસુ મમ્મી જેઓ કામ કરીને ઘર ચલાવતા હતા. જેથી પૈસાની બાબતને લઈને બહેનને ત્રાસ આપવામાં આવતો હતો. આ પૈસાના ત્રાસને કારણે તે વારંવાર ઘરે આવતી હતી. અંતે કંટાળીને તેણે આ પગલું ભર્યું છે. જેથી કિશોર પટેલના પરિવાર ઉપર પોલીસ કડકમાં કડક પગલાં લે એવી અમારી વિનંતી છે.-- નીરવ પટેલ (મૃતક પરિણીતાનો ભાઈ)
પ્રેમલગ્નમાં પરિવારની મંજૂરી : ઉલ્લેખનીય છે કે, પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીનો કાયદો લાવવા મૃતક પરિવારની માંગ છે. ત્યારે હાલ થોડા સમય પહેલા જ મહેસાણામાં કોઈ પ્રોગ્રામમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. એટલે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી અંગે એક તરફ સરકાર કાયદો લાવવા માટે વિચારણા કરી રહ્યું છે. ત્યારે આવા નિવેદને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે.
મૃતકના પરિવારનો આક્ષેપ : આ બાબતે ડુમસ પોલીસ કોન્સ્ટેબલ વિહાર ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બની છે. જેમાં મૃતક યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓ 22 વર્ષના હતા. જોકે, આ મામલે મૃતક યુવતીના ઘરના લોકો દ્વારા તેમના સાસરીયા અને પતિ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો આ મામલે અમે આગળની તપાસ હાથ ધરી છે.