સુરત : દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી શેરડીની કાપણી માટે મોટી સંખ્યામાં આવે છે. જેઓ લાંબા સમયથી મજૂરીના રૂપિયા વધારવા સાથે જ બાળકોને શિક્ષણ તથા સગર્ભા, ધાત્રિ માતાઓ સહિત કિશોરીઓ, બાળકોને પોષણ મળી રહે તે માટે આઇસીડીએસ હેઠળ સુવિધાઓ આપવાની માંગણી કરી રહ્યા છે.
જોકે સરકાર સહિત સુગર ફેક્ટરીઓ દ્વારા કોયતા મજૂરોની માગ સામે કોઇ હકારાત્મક અભિગમ ન દાખવતા હવે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 13 સુગર ફેક્ટરીઓમાં કામ કરતા અંદાજે 2 લાખથી વધુ મજૂરો 28 ફેબ્રુઆરીથી હડતાલ પર ઉતરી ફેક્ટરીઓને બંધ કરાવાની કમર કસી રહ્યા છે. હડતાલ સહિત આંદોલનને વેગ આપવા માટે મજૂર અધિકાર મંચ તેમજ મજૂર આગેવાનો દ્વારા ગામે ગામ પડાવમાં રહેતા મજૂરોને મળીને હડતાલમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોયતા મજૂરોની મજૂરીમાં વધારો કરવાની માગ સાથે જ તેમના રહેવા, શિક્ષણ, આરોગ્ય સહિત જ્યાં રહે ત્યા પ્રાથમિક સુવિધાઓ અપાવાની માગ સાથે રાજ્ય સરકાર, સુગર ફેકટરીના ફેડરેશન તેમજ સુગર ફેકટરીઓને દક્ષિણ ગુજરાતના મજૂર અધિકાર મંચ દ્વારા છેલ્લા 5 વર્ષોથી રજૂઆતો કરવામા આવી રહી છે, પરંતુ સરકાર કે સુગર ફેકટરીઓએ કોઇ હકારાત્મક અભિગમ ન દાખવતા આંદોલનને વેગ આપી ડાંગમાં 12 દિવસની હડતાલ પાડી હતી, ત્યારબાદ સ્થાનિક તંત્રની સમજાવટ બાદ મજૂરો સુગર ફેકટરીઓમાં કાપણી માટે પહોંચ્યા હતા. જોકે મહિનાઓ વિતવા છતા પણ કોયતા મજૂરોની માગ ન સંતોષાતા મંચ દ્વારા 28 ફેબ્રુઆરીથી 2 લાખ કોયતા મજૂરો હડતાલ પર ઉતરશેની ચિમકી સાથે સુગર ફેડરેશન તેમજ ફેકટરીઓને નોટીસ પાઠવી છે.
જેમાં ફેડરેશને તેના કાર્યક્ષેત્ર બહારની વાત હોવાનુ જણાવી હાથ ખંખેરી લીધા હતા. ઉલ્લેખનિય છે કે મજૂરોના ખરા માલિક કોણ અને ન્યુનતમ મહેનતાણુ પણ ન મળતા હોવાના પ્રશ્નો પણ આગેવાનો ઉઠાવી રહ્યા છે.