સુરત: માંગરોળનાં આમનડેરા ગામે કીમ નદીમાં ન્હાવા પડેલા 18 વર્ષીય યુવકનું નદીનાં ધસમસતા પાણીમાં ડૂબી જવાનાં પગલે મોત થતા ચકચાર મચી ગઇ હતી. માંગરોળ તાલુકાના આમનડેરા ગામની સીમમાં કીમ નદીમાં ન્હાવા પડેલા અમદાવાદનાં 18 વર્ષીય યુવકનું ડૂબી જતા મોત થયું હતું.અમદાવાદથી આમનડેરા ગામે માસીને ત્યાં સગાઇમાં આવેલા પરીવારનો 18 વર્ષીય પુત્રને કાળ ખેંચી ગયો હતો. ફાયરબ્રીગેડની ટીમે મૃતકની મૃતદેહ શોધી કાઢ્યો હતો. માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
"ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.મૃતક યુવક અમદાવાદ જિલ્લાનો છે.મૃતક યુવકની બહેનની ફરિયાદ લઇ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે"-- એચ.આર પઢિયાર (માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ)
લોકો ખાડીનાં કિનારે: પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ રામોલ ખાતે રહેતા નસીમબાનુ પોતાનાં બે પુત્રો સાથે અમદાવાદથી માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે રહેતા પોતાની બેનની પુત્રીની સગાઇનો પ્રસંગ હોવાથી કોસંબા ટ્રેનમાં ઉતર્યા બાદ રિક્ષામાં માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે સદર પ્રસંગમાં પહોંચ્યા હતા. જોકે પ્રસંગ આટોપ્યા બાદ નજીક આવેલી દરગાહ ઉપર દર્શન કરી આમનડેરા ગામની સીમમાં આવેલ કીમ નદીમાં ન્હાવાની ઇચ્છા વ્યક્ત કરતા સાહિલ સઇદ શેખ (ઉ.વ.18) કીમ ખાડીનાં પાણીમાં ન્હાવા માટે ઉતર્યો હતો. પરીવારનાં અન્ય લોકો ખાડીનાં કિનારે ઊભા રહ્યા હતા.
ફાયરબ્રીગેડની ટીમ: ત્યારે કીમ નદીમાં ન્હાવા ઉતરેલા 18 વર્ષીય સાહિલ નદીનાં ઉંડા પાણીનાં પ્રવાહમાં ડૂબવા લાગતા ખાડી કિનારે ઊભા પરીવારજનોએ બુમાબુમ કરી મુકી હતી. તેમજ બહાર ઊભેલા સાહિલનાં મોટાભાઇ મોહમ્મદ અલતાફે ફોન કરી આમનડેરા ગ્રામજનોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો કીમ નદી કિનારે બનાવનાં સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ કીમ નદીનાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હોય જેની લોકોએ શોધખોળ કર્યા બાદ પણ પત્તો નહીં લાગતા અંતે લોકોએ ફાયરબ્રીગેડની ટીમને બોલાવવામાં આવી હતી.
યુવકનો મૃતદેહ મળ્યો: આજરોજ બપોરના સમયે બનાવનાં બીજા દિવસે સાહિલ સઇદ શેખ (ઉ.વ.18) રહે રામોલ અમદાવાદની ફાયરબ્રીગેડે નદીનાં ઉંડા પાણીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસે મૃતકની મૃતદેહનો કબ્જો લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.બનેલી ઘટનાને લઈને માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ એચ.આર પઢિયારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.મૃતક યુવક અમદાવાદ જિલ્લાનો છે.મૃતક યુવકની બહેનની ફરિયાદ લઇ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.