સુરત: છેલ્લા 25 દિવસથી માંગરોળ તાલુકામાં લમ્પી વાઇરસના કારણે પશુઓના મોતનો સિલસિલો આગળ વધી રહ્યો હતો. વેરાકુઈ સહિત આસપાસ વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસને કારણે 17 જેટલા પશુઓના મોત થયા છે. આ મામલે ધારાસભ્ય ગણપત વસાવા પશુપાલકોની મુલાકાત લીધી હતી. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ લમ્પી વાયરસથી માંગરોળમાં એક પણ પશુનું મોત થયું નથી તેવું બે જવાબદાર નિવેદન આપ્યું હતું. જોકે પશુઓના મોતના સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું હતું.
સરકારને રજૂઆત: આ ઘટના સંદર્ભમાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અસરગ્રસ્ત વેરાકુઈ ગામના પશુપાલકોની મુલાકાત લીધી હતી. આ સમયે દુધાળા પશુ ગુમાવનારા કેટલાક પશુપાલકો ધારાસભ્ય સામે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ રાજ્યના વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલને ટેલીફોનિક રજૂઆત કરી સ્થાનિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમજ નુકસાનગ્રસ્ત પશુપાલકોને સહાય આપવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી.
'ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વેરાકુઈ સહિતના વિસ્તારોમાં મુલાકાત કરી હતી. પશુપાલકો સાથે બેઠક કરી અને તેઓ રજૂઆતો સાંભળી હતી. લમ્પી વાયરસનાં કારણે જે પણ પશુપાલકોના પશુઓના મોત થયા છે. તેઓને સરકાર વળતર આપે તેવી રજૂઆતો હાલ મળી છે.' -યુવરાજ સિંહ સોનારિયા, સભ્ય, માંગરોળ તાલુકા પંચાયત
સાવચેતી રાખવાની સૂચના: માંગરોળ તાલુકાના રતોલા ઓગણીસા વાંકલ આમખૂટા, પાતલ દેવી, સહિત 25 જેટલા ગામોમાં હાલ 54 જેટલા પશુઓ લંમ્પી વાયરસથી પોઝિટિવ છે. જેથી પશુપાલન વિભાગના અધિકારીઓને લોકજાગૃતિ કેળવી તકેદારીના પગલાં ભરવા અનુરોધ કર્યો હતો. આ સમયે સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત તાલુકા પંચાયત સદસ્ય ડૉ યુવરાજસિંહ સોનારીયા, ઈદરીશભાઈ મલેક મહાવીરસિંહ પરમાર મુકુંદભાઈ પટેલ સહિતના આગેવાનો મુલાકાતમાં જોડાયા હતા.